
મહેસાણા,વિસનગર તાલુકાના વાલમ ગામની યુવતી સાથે રેપ કરી તેનું મર્ડર કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં વધુ તપાસ માટે પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વિસનગર તાલુકાના વાલમ ગામની યુવતી ૨૫મી એપ્રિલે મહેસાણા ખાતેથી નોકરી કરી પરત ઘરે ફરી રહી હતી. તે દરમિયાન મહેસાણા એસ.ટી.ડેપો આગળથી રિક્ષા ચાલકે આ યુવતીને રિક્ષામાં બેસાડી વિસનગર તરફ બાસણા ગામ પાસે ખેતરમાં લઇ જઇ તેની સાથે બળજબરી પૂર્વક રેપ કરી તેની હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે આરોપી રિક્ષા ચાલક ઠાકોર વિજયને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપી વિજય ઠાકોરને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં મુખ્ય સરકારી વકીલ કેયુર એમ. જોષીએ મૃતક યુવતીના કપડાં અને બુટ રિકવર કરવા, અન્ય આરોપીઓ સંડોવાયા છે કે કેમ તેની તપાસ કરવા, યુવતી પાસેથી મોબાઈલ ઝુંટવી લૂંટ કરી છે, તો તે ક્યાં સંતાડ્યો છે, કે ક્યાં નાખ્યો છે, તેમજ ચાર દિવસથી આરોપી ક્યાં હતો, જે તમામ બાબતો સહિતની તપાસ કરવા માટે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં એડિશનલ સેશન્સ જજ એમ.કે. ઉપાયાયે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.