વર્ષ 2023માં હિતેન કુમાર અને જાનકી બોડીવાલા સ્ટારર ‘વશ’માં પ્રતાપ (હિતેન કુમાર) સંઘવી પરિવાર જોઇન કરે છે. આ પરિવારને આર્યા નામની દીકરી હોય છે. તેનું ધ્યાન આર્યા તરફ વધુ છે, તે આર્યાને સાકારનો દાણો આપે છે, જે ખાધા બાદ આર્યામાં અચાનક પરિવર્તન આવે છે. ત્યારબાદ તે ફેમિલીની અંગત વાતોમાં રસ લેવા માંડે છે. તેની સાથે સાથે પ્રતાપ આર્યાનું વશીકરણ કરવા લાગે છે અને આર્યા તે કહે તેમજ કરવા લાગે છે અને પછી વિકૃત ખેલ શરૂ થાય છે. આવો જ એક કેસ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં સામે આવ્યો છે. જેમાં પુણેમાં બેઠા બેઠા સાહિલ નામનો શખસ યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કર્યું હતું. તેમજ વીડિયો કોલ કરી સિગારેટ પીવડાવી, ડામ દેવડાવ્યા હતા તેમજ હાથ પર બ્લેડ મરાવતો હતો. આ શેતાનને પકડવા માટે પોલીસની એક ટીમ પુણે પહોંચી હતી અને તેને ઝડપી લઈ અમદાવાદ લાવી છે.
બોપલમાં રહેતી એક યુવતી પૂણેના ‘શેતાન’ (વશ પરથી બનેલી અજય દેવગન-જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ)ના ‘વશ’માં આવી ગઈ હોવાથી પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા હતા. આથી પરિવારે સાહિલ વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાહિલ અહેમદે આ યુવતીના ફોટો અને વીડિયો પોતાની પાસે રાખી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પૂણેથી યુવક QR કોડ મોકલી પૈસા મગાવી રહ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી 21 વર્ષનો છે જે તાજ કોર્નર નામથી ફ્રૂટનો ધંધો કરે છે. આરોપો ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને વોટ્સએપના માધ્યમથી યુવતી સાથે જોડાયેલો હતો અને પૈસા પડાવવા યુવતીને બ્લેકમેઇલ કરતો હતો.
ક્રિસમસ પર ટ્રેકિંગમાં ગઈ ને ફોન સ્વિચ ઓફ થયો
બોપલમાં રહેતા વેપારીની દીકરી ગત વર્ષે ક્રિસમસ પર આઠ દિવસ માટે ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઇ હતી, ત્યારે બે દિવસ બાદ કેમ્પ પરથી કોલ આવ્યો હતો. આ કેમ્પના નિયમ મુજબ તમામ સભ્યોએ સાંજે 5 વાગ્યા સુધીમાં કેમ્પ પર આવી જવાનું હોય છે. પરંતુ યુવતી આવી નહોતી. જેથી પરિવારના સભ્યો યુવતીને કોલ કરવા લાગ્યા પરંતુ તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. દીકરીનો ફોન સ્વિચ ઓફ આવતા હવે શું કરવું તે અંગે માતા-પિતા વિચાર કરતાં હતાં. ત્યારે જ લગભગ નવ વાગ્યે યુવતી કેમ્પ પર પરત આવી હતી. જેથી તેના પિતા બીજા જ દિવસે ગોવા પહોંચી ગયા. તેમણે ત્યાં જઇને જોયું તો દીકરી સલામત હતી. પરંતુ તેના હાથ પર ડામનાં નિશાન હતાં. આ ડામ અંગે તેને પૂછ્યું તો દીકરીએ જણાવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ દ્વારા પૂણેના સાહિલ અહેમદ ઇબ્રાહીમ સતારકરના સંપર્કમાં હતી. પોતે ગોવા આવી હોવાનું જણાવતા સાહિલ પણ મળવા માટે ગોવા આવી ગયો હતો.
સાહિલ સાથે બોલાચાલી થઈ તો પોતાના હાથ પર જ સિગારેટના ડામ આપ્યા
આ યુવતી આખો દિવસ સાહિલ સાથે જ હતી. જેના કારણે કેમ્પ પર જવામાં મોડું થયું હતું. હવે કોઇ બાબતે સાહિલ સાથે બોલાચાલી થતાં સાહિલ તેને હાથ પર સિગારેટનો ડામ દીધો હતો. આ વાત સાંભળીને માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
ન્યૂડ વીડિયો ઉતારી લઈ બ્લેકમેઇલિંગ શરૂ કર્યું
દીકરીની આ સ્થિતિ જોઇને આઘાતમાં સરી પડેલાં તેનાં માતા-પિતા કેમ્પ અધૂરો છોડાવી દીકરીને પરત અમદાવાદ લઇ આવ્યાં હતાં. ત્યાર બાદ પણ સાહિલ તેમની દીકરીને કોલ કરી સતત પરેશાન કરતો હતો. તેણે વીડિયો કોલ કરી યુવતીને કપડાં ઉતરાવ્યાં અને પછી તેનો વીડિયો ઉતારી લીધો છે. હવે આ વીડિયો વાઇરલ કરવાનો ડર બતાવી તે યુવતીને બ્લેકમેઇલ કરી રહ્યો છે. સાહિલ યુવતીને QR કોડ મોકલી વારંવાર પૈસા પડાવે છે. યુવતીને વીડિયો કોલ કરી હાથ પર બ્લેડ મારવાનું કહે છે. સિગારેટ પીવાનું કહે છે અને તેના મિત્રો સાથે વાત કરવા મજબૂર કરે છે.
સાહિલનો QR કોડ મોકલી સ્વજનોને પૈસા ટ્રાન્સફર કરવા આજીજી કરે છે
યુવતી પાસે રૂપિયા ના હોય ત્યારે તે પોતાનાં સ્વજનોને સાહિલે મોકલેલો QR કોડ મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવા આજીજી કરતી હોય છે. આ બાબત પણ તેનાં માતા-પિતાના ધ્યાને આવી છે. પરંતુ હદ તો ત્યારે થઇ ગઇ કે સાહિલે યુવતીના વોટ્સએપ, સ્નેપચેટ તથા ઇન્સ્ટાગ્રામના યુઝરનેમ પાસવર્ડ મેળવી લીધા છે.
યુવતી માનસિક રીતે ભાંગી પડી
યુવતી માનસિક રીતે ભાંગી પડી જેના આધારે પરિવાર તેમની દીકરીની તમામ સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખી રહ્યો છે. સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારે યોગા સેન્ટરમાં મોકલી આપી છે . ત્યાં પણ સાહિલે યુવતીને કોલ કરી હાથ પર બ્લેડ મરાવી હતી. આ ઘટનાને લઇને યુવતીનો પરિવાર ભાંગી પડ્યો હતો અને પોતાની દીકરીને સાહિલના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે પોલીસ ફરિયાદ કરી હતી.