અમદાવાદ, યુવાઓમાં ઉચ્ચ શિક્ષણ અને વિદેશમાં અભ્યાસ કરવાનો ટે્રન્ડ વધ્યો છે.ત્યારે શિક્ષણ લોનમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. ભારતનાં ઈતિહાસમાં કયારેય ન અપાઈ હોય તેટલી શિક્ષણ લોન આ વખતે મંજુર થઈ છે. ગુજરાતની સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીનાં રીપોર્ટ પ્રમાણે શિક્ષણ લોન માટેની અરજીઓમાં ૯૫ ટકાનો ધરખમ વધારો થયો છે અને તે વિદેશમાં શિક્ષણ લેવાના વધતા ટ્રેન્ડનો સંકેત આપે છે.
વિદેશમાં અભ્યાસ માટે વિઝા પ્રક્રિયા સરળ બની છે ઉપરાંત અન્ય નવા દેશોમાં શિક્ષણનાં દ્વાર ખુલ્યા છે. સાથોસાથ વિદેશોની અનેક યુનિવર્સીટી ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલજાજમ પાથરવા લાગી હોવાથી ટ્રેન્ડ વયો છે. ચાલુ અભ્યાસક્રમો તથા સ્નાતક થયા બાદ નોકરીની તક આપવામાં આવતી હોવાથી રસ સતત વધી રહ્યો છે. બેંર્ક્સ કમીટીનાં રીપોર્ટ પ્રમાણે ઓકટોબરથી ડીસેમ્બરનાં ત્રણ વર્ષનાં સમયગાળા દરમ્યાન ગુજરાતમાં શિક્ષણ લોન માટે ૬૫૦૫ અરજી થઈ હતી. જે ગત વર્ષનાં આ ગાળામાં ૩૩૦૦ અને તેની સરખામણીએ ડબલ જેટલી હતી.
ચાલૂ નાણાંકીય વર્ષના ત્રણ ત્રિમાસીક ગાળા દરમ્યાન શિક્ષણ લોનની માંગ સતત વધી રહી છે. વિદેશમાં અભ્યાસ માટે મોટાભાગની અરજીઓમાં મોટી રકમની લોન જ માંગવામાં આવે છે. એટલુ જ નહિં બેંકો પણ હવે શિક્ષણ લોનનું માર્કેટીંગ કરવા લાગી છે. શિક્ષણ લોન સરળતાથી ઉપલબ્ધ થવા લાગી હોવાથી સેંકડો વિદ્યાર્થીઓનુ વિદેશમાં અભ્યાસ કરવાનું સ્થાન સાકાર થઈ રહ્યું છે. ઉચ્ચ અભ્યાસક્રમ માટે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીએ કહ્યું કે સાઈબર સિકયુરીટીના અભ્યાસક્રમમાં ભારે ડીમાંડ છે અને આ માટે ૧૮ લાખની બેંક લોન માંગી હતી.તે સરળતાથી ઉપલબ્ધ થતા વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન સાકાર થયુ છે.શિક્ષણમાં માર્કસ સારા હોય તથા લોન માટે પુરતા દસ્તાવેજો હોય તો સરળતાથી શિક્ષણ લોન મળી જાય છે.
રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ઓકટોબરથી ડીસેમ્બરના ત્રીમાસીક ગાળામાં ગુજરાતની બેંકોએ ૫૯૫ કરોડની શિક્ષણ લોન મંજુર કરી હતી. જે રકમ આગલા વર્ષનાં ત્રિમાસીક ગાળામાં ૨૮૩ કરોડની હતી તેમાં ૧૧૦ ટકાનો વધારો થયો છે.ખાનગી ક્ષેત્રમાં નવી નવી બેંકો નાણા સંસ્થાઓની એન્ટ્રી સાથે શિક્ષણ લોન મેળવવા માટે વિકલ્પો વધી રહ્યા છે. પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાં પસંદગી મેળવનારા વિદ્યાર્થીઓનો ૩૦-૩૦ લાખ સુધીની લોન મંજુર કરવામાં પણ અચકાતી નથી.
શિક્ષણ સલાહકાર એજન્સીઓનાં સુત્રોએ કહ્યું કે હવે વિદેશમાં અભ્યાસનો અર્થ માત્ર શિક્ષણ પુરતો સીમીત નથી. વિદેશમાં અભ્યાસ બાદ ત્યાં જ નોકરી કરવા તથા સ્થાયી થવાના ઉદેશ વિદ્યાર્થીઓ ધરાવી રહ્યા છે. અમેરિકા-કેનેડા ઉપરાંત બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, સિંગાપોર, જર્મની, નેધરલેન્ડ જેવા દેશોમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા છે.