યુવકને બાંધી પટાથી ઢોરમાર માર્યો : પ્રેમ સંબંધની આશંકાએ માર મારવામાં આવ્યો, વાઈરલ વીડિયોના આધારે પોલીસે બે સગીર સહિત ત્રણને ઝડપી પાડ્યા

સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમા કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાઈરલ થયેલ વીડિયો સબંધે એક યુવક અને બે સગીરને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. ડીંડોલી વિસ્તારમાં રહેતા મહેશ(નામ બદલ્યુ છે)ની બાજુમાં રહેતી આરોપી સગીરની કાકાની દીકરી બહેન સાથે વાતચીત કરતો અને પ્રેમ સંબંધ હોવાનો દ્વેષભાવ રાખી માર મારવામાં આવ્યો હતો.

વેલેન્ટાઈન ડેના દિવસે બંધક બનાવી માર માર્યો હતો ગઈ તા.14/02/2025 ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં મહેશ આરોપી સગીરના ઘરની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન વખતે સગીરે મહેશને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ પોતાના બે મિત્રોની મદદથી મહેશને ઘરમાં ખંભા સાથે સાડીથી બાંધી, સળીયા અને પટ્ટા વડે માર માર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો.

મહેશની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ડીંડોલી પોલીસે સર્વેલન્સ સ્કોડના માણસોએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ટીમ વર્કથી પીડિતને શોધી કાઢ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ બે સગીર અને એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આરોપી અજય રવિન્દ્ર ઠાકરે (ઉ.વ.25 રહે. સુમનધામ સોસાયટી, રીષીકેશ એવન્યુની બાજુમાં, નવાગામ, ડિંડોલી)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બંને સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યુવકના હાથ પગ બાંધી પટાથી માર મરાયો યુવકને રૂમની અંદર લાકડાના પીલર સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. યુવકને લાકડાના ડંડા સાથે બંને હાથ ટુવાલ વડે બાંધી દેવામાં આવ્યા છે. આ સાથે પગ પણ બાંધી દેવામાં આવ્યા છે. રૂમમાં બે વ્યકિત હાજર જોવા મળી રહ્યા છે જે પૈકી એક વખત દ્વારા બેલ્ટ વડે લાકડા સાથે બાંધેલા યુવકને માર મારવામાં આવી રહ્યો છે. બેલ્ટ વડે માર મારવાના કારણે યુવક દ્વારા આજીજી પણ કરવામાં આવી રહી છે.