Gir Somnath : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી વિકૃતિની હદ વટાવી દે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટમાં સાસુ-સસરા દ્વારા પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો બનાવ્યાની ઘટના સામે આવ્યા બાદ હવે ગીર સોમનાથના વેરાવળમાં પણ બિભત્સકાંડ જેવી જ ઘટના સામે આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં એક યુવકનું વિકૃત કૃત્ય સામે આવ્યુ છે. યુવકે પોતાના પાડોશીના બાથરુમમાં સ્પાય કેમેરા ગોઠવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વેરાવળના 80 ફૂટ રોડના પોશ વિસ્તારમાં યુવકે પાડોશીના બાથરુમમાં કેમેરા મુકી દીધા હતા. જે પછી તે બાથરૂમમાં મહિલાઓની પ્રવૃત્તિના વીડિયો ઉતારતો હતો. ગોપાલ વણિક નામના યુવકનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યુ છે. ગઈ સાંજે મહિલાને બાથરૂમની જાળીમાં ફિટ કરેલો કેમેરો નજરે આવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. જે પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહ્યો છે. મકાનના બાંધકામ સમયે તેણે પાડોશી સાથે અડીને બનતી દિવાલમાં બાથરૂમમાં સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. જો કે મહિલાએ કેમેરો પકડી લેતા યુવકના કારસ્તાનનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે વેરાવળ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.