યુવકે બ્રિજ પરથી મહીસાગરમાં છલાંગ લગાવી, VIDEO:ઘરકંકાસથી કંટાળી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે જીવ બચાવ્યો

ખંભાતના જીણજ ગામના એક યુવકે ઘરકંકાસથી કંટાળીને આજરોજ વાસદ સ્થિત મહીસાગર નદીના બ્રિજ પરથી છલાંગ લાગવી દીધી હતી. જે તે વખતે ત્યાં હાજર એક શખ્સે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. જે વાયરલ થયો છે. બીજી બાજુ વાસદ પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી ફાયરબ્રિગેડની મદદ લઈ આ યુવકને જીવતો બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે.

ખંભાત તાલુકાના જીણજ ગામના લાલાજીભાઈ નામનો યુવક છેલ્લાં ઘણાં સમયથી ઘરમાં ચાલતાં કંકાસથી કંટાળીને આજરોજ વાસદ સ્થિત મહીસાગર નદીના બ્રિજ પર આવી પહોંચ્યો હતો. જ્યા આત્મહત્યા કરવાના ઈરાદે બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં વાસદ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ યુવકને નદીના પાણીમાંથી બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે. હાલ, આ લાલજીભાઈને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આત્મહત્યાના પ્રયાસની ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ધોળા દિવસે બ્રિજ પર લોકોની ચહલ પહલ ચાલી રહી છે. તેમજ કેટલાક લોકો ત્યા બ્રીજની પાળી પર બેઠા હતા. આ દરમિયાન અચાનક એક યુવક બ્રિજ પર આવે છે અને જોતજોતામાં જ છલાંગ લગાવી દીધી હતી. જે ઘટનાને પગલે આજુબાજુમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. યુવકે કુદકો લગાવવાની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી અને યુવકને બચાવી લીધો હતો. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.