યુવકને હની ટ્રેપમાં ફસાવી ૨૮ કરોડના કોકેનની દાણચોરી કરાવી

મુંબઇ,

મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સે એક ભારતીય પ્રવાસીને પકડીને બેગમાં વિશેષ જગ્યા બનાવીને પોલાણમાં છુપાયેલુ રૂા. ૨૮.૧ કરોડનું કોકેન જપ્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મહિલાએ હની ટ્રેપમાં ફસાવીને આરોપી પાસે ડ્રગ્સની દાણચોરી કરાવી હોવાનું કહેવાય છે. આરોપીના અન્ય સાથીદારની માહિતી મેળવવા વધુ તપાસ હાથધરવામાં આવી છે. આદીસ અબાબાથી આવેલા પ્રવાસી પાસેથી ૨.૮૧ કિલો કોકેન મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ કસ્ટમ્સે જણાવ્યું હતું.

ડફલ બેગમા ખાસ પોલાણ બનાવીને કુશલતાપૂર્વક કોકેન છુપાવીને ઉપર કપડા રાખવામાં આવ્યા હતા. આરોપી પ્રવાસી કોકેન લઇને દિલ્હી જઇ રહ્યો હતો. તે મૂળ નૈનિતાલનો રહેવાસી છે.

સોશિયલ મીડિયા દ્વારા એક મહિલા સાથે આરોપીની ઓળખ થઇ હતી. પછી પૈસાની અને નોકરીની લાલચ આપી હતી. તેણે ઘનિષ્ઠ વાતચીત કરી આ પ્રવાસીને જાળમાં ફસાવ્યો હતો. આમ હની ટ્રેપમાં ફસાયેલા પ્રવાસી ડ્રગ્સની દાણચોરી માટે તૈયાર થઇ ગયો હોવાનું કહેવાય છે. ગત અઠવાડિયે મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે કસ્ટમ્સ ઝોનલ યુનિટ-૩ દ્વારા કરવામાં આવેલા જુદા જુદા ઓપરેશનમાં રૂા. ૩૧.૨૯ કરોડની કિંમતનું ૪.૪૭ કિલોગ્રામ હેરોઇન અને રૂા. ૧૫.૯૬ કરોડની કિંમતનું ૧.૫૯૬ કિલોગ્રામ કોકેન મળી આવ્યું હતું આ બે કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા.