નવીદિલ્હી, ભારતના યુવાવર્ગને શિક્ષણ અને કૌશલ્યના માધ્યમથી નવી તકોનો લાભ ઊઠાવવા માટે તૈયાર કરાઇ રહ્યો છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૌશલ દીક્ષાંત સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતાં કહ્યું હતું. વડા પ્રધાને કહ્યું કે યુવા શક્તિ મજબૂત હોય ત્યારે દેશ વધુ વિકાસ કરે છે તેથી દેશમાં કૌશલ્ય વિકાસનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે.
દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લગભગ ચાર દાયકા બાદ લાવવામાં આવી છે એવું કહેતાં વડા પ્રધાને ઉમેર્યું કે સરકાર મોટી સંખ્યામાં મેડિકલ કૉલેજ અને આઈઆઈટી, આઈઆઈએમ અને આઈટીઆઈ જેવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓ શરૂ કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ કરોડો યુવાનોને પ્રશિક્ષિત કરાયા છે. રોજગાર આપતા પરંપરાગત ક્ષેત્રોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાને કહ્યું કે આજે આખા વિશ્ર્વનું માનવું છે કે આ સદી ભારતની સદી રહેવાની છે.સ્કીલ્ડ (કૌશલ્યપૂર્ણ) યુવાનો માટે આખું વિશ્ર્વ ભારત તરફ મીટ માંડી રહ્યું છે. ગ્લોબલ સ્કિલ મેપિંગ સંદર્ભે ભારતના પ્રસ્તાવનો જી-૨૦ સંમેલનમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. એનાથી આવનારા સમયમાં યુવાનો માટે રોજગારની વધુને વધુ તકો ઊભી થશે. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે ભારત અગાઉની સરખામણીમાં વધુ રોકાણ કરી રહ્યું છે.
તેમણે યુવાનોને મજબૂત કરતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનું ઉદાહરણ આપ્યું. તેમણે ક્હયું કે ભારતનું અર્થતંત્ર વિસ્તરી રહ્યું છે એ સાથે જ યુવાનો માટે નવી નવી તકો ઊભી થઈ રહી છે. ભારતમાં રોજગાર સર્જન નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ દેશમાં બેરોજગારીનું પ્રમાણ છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછું છે, એવું તેમણે કહ્યું. દીક્ષાંત સમારોહમાં લગભગ ૧૦.૬૦ લાખ યુવાનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હોવાનું આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું. નવી દિલ્હીમાં આયોજિત આ કૌશલ દીક્ષાંત સમારોહમાં દેશની પ્રતિષ્ઠિત સ્કિલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ્સના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ ઈન્સ્ટિટયૂટ્સમાં પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર, ઈન્ડસ્ટ્રિઅલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ્સ, સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર અને જન શિક્ષણ સંસ્થાનનો સમાવેશ થાય છે.