યુસુફ પઠાણે મદદ માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, વીએમસીએ તબેલો ખાલી કરવા નોટિસ પાઠવી

રાજકારણમાં એન્ટ્રી થતાં ગુજ્જુ ક્રિકેટરના દુશમનો વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ યોજાયેલી લોક્સભાની ચૂંટણીમાં ભૂતપૂર્વ ગુજરાતી ક્રિકેટર ટીએમસીમાં જોડાઇને ચૂંટણી લડ્યા હતા અને વિજયી થતાં સાંસદ બની ગયા છે. ત્યારે હવે એક જૂનો વિવાદ ફરી ચગ્યો છે. આ સાથે જ તેઓ ભાજપના દુશ્મન થઈ ગયા છે.

વીએમસીના પ્લોટ પર કબજો કર્યો હોવાની વાત સામે આવતાં ફરી શહેરમાં ગણણાટનો દૌર શરૂ થઇ ગયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના પ્લોટ પરથી દબાણ દૂર કરવા માટે યુસુફ પઠાણને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત જમીન દબાણ મુદ્દે હાઇકોર્તના વકીલ દ્વારા અરજી પણ મોકલવામાં આવતાં આ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

જમીન વિવાદ મુદ્દે યુસુફ પેટેલે આક્ષેપ કર્યા હતા કે હું અલગ પાર્ટીમાંથી ચૂંટાયો હોવાથી મને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન કંઇ જ કરવામાં આવ્યું નથી અને ચૂંટણીના પરિણામો બાદ અચાનક જ ૬ જૂન ૨૦૨૪ ના રોજ નોટિસ પાઠવામાં આવી છે. જો હું તેમણે કહ્યું છે તે પ્રમાણે કરીશ નહી તો તેઓ બુલડોઝર લઇને આવી જશે. હાઇકોર્ટના જજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ વડોદરા કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે.

વાત જાણે એમ હતી કે વડોદરાના તાંદળજામાં મ્યુનિસિપાલિટીના પ્લોટ પર યુસુફ પઠાણે તબેલો ઊભો કર્યો છે. તેથી ભાજપના કોર્પોરેટરે આ પ્લોટ પાછો લઈ લેવાની રજૂઆત કરી હતી, પરંતુ ભાજપે પાલિકાની સામાન્ય સભામાં આ અંગે સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી દીધી. આમ, એ વખતે ભાજપને પઠાણ સાહેબને પ્લોટ આપવામાં વાંધો ન હતો, પરંતુ હવે તેઓ તૃણમૂલમાં છે એટલે વાંધો પડ્યો.

તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણ સામે કોર્પોરેશનના પ્લોટ પર છેલ્લા કેટલાક સમયથી કબજો જમાવ્યો છે. તેમને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા સૂચના આપી છે. બીજી તરફ વોર્ડ નં.૧૦ના ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા માંગ કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને વિનંતી પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પત્રમાં લખ્યું છે કે, ’યુસુફ પઠાણ પશ્ર્ચિમ બંગાળની બહરામપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેમણે સોગંદનામામાં પણ વડોદરાના ટી.પી. ૨૨ના ફાઈનલ પ્લોટ નં. ૯૦ને પોતાની રેસીડન્સીયલ મિલક્તનો ભાગ દર્શાવી છે. તેના પરથી સાબિત થાય છે કે આ કોર્પોરેશનની જમીન તેમણે પચાવી પાડી છે. જેથી યુસુફ પઠાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.’ તો રસપ્રદ વાત તો એ છે કે, કોર્પોરેશનનો એ ઠરાવ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો અને છતાં ભાજપના કોર્પોરેટરો અત્યાર સુધી ચૂપ હતા. ખેર હવે યુસુફ પઠાણ તૃણમૂલમાં હોવાથી ભાજપના નેતાઓની યાદશક્તિ સતેજ થઈ જવી સ્વાભાવિક છે.