યુગાન્ડા : યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ સોમવારે સમલૈંગિકો વિરુદ્ધ વિશ્ર્વનો સૌથી કડક કાયદો પસાર કર્યો છે. આ કારણે હવે ત્યાં સમલૈંગિક સંબંધ રાખવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજા થઈ શકે છે. જોકે યુગાન્ડામાં અગાઉ પણ સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ હતો, પરંતુ આવી ગંભીર સજાની જોગવાઈ નહોતી.
કાયદો પસાર કરતી વખતે સાંસદોએ સમલૈંગિક સંબંધોને સમાજના મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યા છે. આ સાથે તેમણે કાયદાનું યોગ્ય રીતે પાલન થાય તે માટેના શપથ પણ લીધા છે. કાયદો પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્ર્વમાં તેની ટીકાઓ શરૂ થઈ ગઈ છે. યુએસ પ્રમુખ જો બાઇડને તો યુગાન્ડાના કેટલાંક અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાની અને ત્યાં યુએસ રોકાણ ઘટાડવાની ધમકી આપી છે.
યુગાન્ડામાં એક નવા કાયદા અનુસાર, ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે અથવા એચઆઈવી સંક્રમિત વ્યક્તિ સાથે સમલૈંગિક સંભોગ કરવા પર મૃત્યુદંડની સજા થઈ શકે છે. સાથે જ સમલૈંગિક્તાને પ્રોત્સાહન આપવા પર ૨૦ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
જોકે, કોઈ વ્યક્તિ ફક્ત ગે, લેસ્બિયન અથવા હોમોસેક્સ્યુઅલ હોવા પર કોઈ સજા થશે નહીં. સજા ત્યારે જ થશે જ્યારે તે સમલૈંગિક સંબંધોમાં સામેલ થશે. જો કે, મ્યુસેવેનીએ સંસદસભ્યોને ’એગ્રેટેડ હોમોસેક્સ્યુઆલિટી’ ને મૃત્યુદંડની સજાની જોગવાઈને પડતી મૂકવાની કરેલી સૂચનાને સંસદસભ્યોએ નકારી કાઢી હતી. આનો અર્થ એ છે કે પુનરાવર્તિત અપરાધીઓને મૃત્યુદંડ આપવામાં આવી શકે છે. જોકે, યુગાન્ડાએ ઘણા વર્ષોથી મૃત્યુદંડની સજા હાથ ધરી નથી. અગાઉ માર્ચમાં જ્યારે આ બિલને રાષ્ટ્રપતિ પાસે પાસ કરાવવા માટે મોકલવામાં આવ્યું હતું, ત્યારે તેમાં કોઈ ગે હોય તો પણ તેને સજા કરવાની વાત કરવામાં આવી હતી. જેનો પ્રમુખે વાંધો ઉઠાવ્યો હતો. આફ્રિકામાં યુગાન્ડા એકમાત્ર એવો દેશ નથી કે જ્યાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. તેના બદલે ૩૦થી વધુ દેશોમાં સમલૈંગિક સંબંધો બનાવવા પર પ્રતિબંધ છે.
૧૯૮૧માં એચઆઇવી રોગની શોધ થઈ ત્યારથી, ૮૪.૨ મિલિયનથી વધુ લોકો એડ્સ વાયરસથી સંક્રમિત થયા છે. હાલમાં એચઆઈવી સંક્રમણના બે તૃતીયાંશ કેસ માત્ર આફ્રિકન દેશોમાં છે. વિશ્ર્વમાં દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને મોઝામ્બિકમાં એચઆઇવી એડ્સના કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે. તે જ સમયે, યુગાન્ડામાં ૨૦૦૪ પછી એચઆઇવી મૃત્યુના કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે.
એક તરફ જ્યાં યુગાન્ડાએ સમલૈંગિક સંબંધો પર મૃત્યુદંડની જોગવાઈ કરી છે. તે જ સમયે, ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. સરકારનું કહેવું છે કે અમારા કાયદા, સમાજ અને મૂલ્યો સમલિંગી લગ્નની વિરુદ્ધ છે.
તે જ સમયે, સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાની માગ કરી રહેલા અરજદારોનું કહેવું છે કે લગ્ન ન થવાને કારણે તેઓ ઘણા મૂળભૂત અધિકારોથી વંચિત છે. તેઓ ન તો તેમના જીવનસાથી સાથે સંયુક્ત ખાતું ખોલાવી શકે છે અને ન તો તેઓ સંયુક્ત મિલક્ત લઈ શકે છે. સમાન જાતિના ભાગીદારોને પણ બાળકોને દત્તક લેવાનો અધિકાર નથી.