
તેલઅવીવ, ઇઝરાયેલમાં હમાસ સાથેના યુદ્ધની વચ્ચે ચાર લાખ યુવાનોએ દેશ માટે હથિયારો ઉઠાવી લીધા છે. જેમાં ફક્ત ગાઝા પટ્ટીની સરહદ પર જ ત્રણ લાખ સૈનિકો ગોઠવાયેલા છે અને જમીન પરથી હુમલા માટે પણ તૈયાર છે. બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂને તેમના પુત્રને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યા છે, જે હાલ અમેરિકામાં છે.
સૌ કોઈ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે કે જ્યારે લાખો યુવાનો હથિયારો લઈને યુદ્ધ માટે તૈયાર છે, તો પછી નેતન્યાહૂને પુત્ર યાઇર અમેરિકામાં શું કરી રહ્યો છે. આ મુશ્કેલ પ્રશ્ર્ન છે, જેનો સામનો વડાપ્રધાન નેતન્યાહૂ કરી રહ્યા છે. ઇઝરાયેલ પર હમાસે ૭મી ઓક્ટોબરે અચાનક ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને તરફ ઓછામાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧૨૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, હમાસે મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવ્યા છે, તેના કારણે ઈઝરાયેલની સેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેતન્યાહૂનો પુત્ર યાઇર આ વર્ષના આરંભમાં અમેરિકાના ફ્લોરિડા જતો રહ્યો હતો. આજકાલ ૩૨ વર્ષીય યાઇરની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે એક દરિયાઇ બીચ પર છે.
ઇઝરાયેલી લોકો આ તસવીર શેર કરીને લખી રહ્યા છે કે, જ્યારે દુનિયાભરથી યહૂદી યુવા આવીને હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનનો પુત્ર શું કરી રહ્યો છે ? જોકે, તસવીરની ખરાઈ શકી નથી. અહેવાલ તો એવા પણ સાંપડી રહ્યા છે કે, વડાપ્રધાન નેતન્યાહૂ અને સૈન્ય વચ્ચે ભારે મતભેદ પેદા થઈ ગયા છે. એક સૈનિકે વડાપ્રધાનના પુત્ર અંગે પ્રશ્ન કર્યો કે, યાઇર મિયામી બીચ પર પોતાની લાઈફ એન્જોય કરી રહ્યો છે, જ્યારે અમે લોકો અહીંયા યુદ્ધના મોરચા પર છીએ. અમે અમારા પોતાના પરિવાર, કામ અને બાળકોને છોડીને દેશની સુરક્ષામાં લાગ્યા છીએ. પરંતુ આવી પરિસ્થિતિ માટે જવાબદાર લોકો કંઇક બીજું જ કરી રહ્યા છે. એક અન્ય સૈનિકે લખ્યું કે, આ એવો સમય છે, જ્યારે વડાપ્રધાનના પુત્રે અહીંયા હોવું જોઈએ.