નવીદિલ્હી, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ સમગ્ર વિશ્ર્વમાં ચર્ચાનો વિષય છે. હમાસના હુમલાની તમામ દેશો ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિશ્ર્વભરના નેતાઓને યુદ્ધની સ્થિતિ વિશે માહિતગાર કરી રહ્યા છે અને તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોન કર્યો છે. નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. આ પછી પીએમ મોદીએ પોતે આ માહિતી આપી અને કહ્યું કે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિ વિશે મને અપડેટ કરવા માટે હું નેતન્યાહૂનો આભાર માનું છું.
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ’હું વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો તેમના ફોન કોલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે.
આ પહેલા પણ ભારતીય પીએમ મોદીએ ઈઝરાયેલ સાથે એક્તા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ તેને ’આતંકવાદી હુમલો’ ગણાવીને આકરી નિંદા કરી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયેલ સાથે એક્તામાં ઊભા છીએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
આ પહેલા સોમવારે પોતાના સંબોધનમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તે તમામ દેશોનો આભાર માન્યો જે ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. જો કે એ વાત સાચી છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિશ્ર્વ માટે એક મોટા સંકટ તરીકે ઉભરી આવ્યું છે. યુક્રેન યુદ્ધની જેમ વિશ્ર્વ આ મુદ્દે પણ વિભાજિત જણાય છે. ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઈટાલી ખુલ્લેઆમ ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે.