નવીદિલ્હી, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝ અને ઈરાની વિદેશ મંત્રી હોસેન અમીર-અબ્દુલ્લાયાન સાથે ટેલિફોન પર વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે ઈરાને ૧ એપ્રિલના રોજ દમાસ્ક્સમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના સંદિગ્ધ હવાઈ હુમલામાં બે જનરલ સહિત સાત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના જવાનોના મોત થયાની ઘટનાના જવાબમાં શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા.
ઈરાનની સેનાએ હોર્મુઝની સ્ટ્રેટ નજીક ઈઝરાયેલ સાથે જોડાયેલા એક માલવાહક જહાજને કબજે કર્યું હતું. જહાજમાં ૧૭ ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. પોર્ટુગીઝ-ધ્વજવાળા જહાજ એમએસસી એરવેસ પર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ર્ચિત કરવા માટે ભારત ઈરાન સાથે સંપર્કમાં છે.
વિદેશ પ્રધાન જયશંકરે તેમના ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે વાત કરી અને પોર્ટુગીઝ-વજવાળા કાર્ગો જહાજમાં સવાર ૧૭ ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માગ કરી છે. ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન-ઈઝરાયેલ દુશ્મનાવટના સંદર્ભમાં વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું. જયશંકરે ‘એકસ’ પર કહ્યું કે, તેમણે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. એમએસસી એરીઝના ૧૭ ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, હમણાં જ ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત થઈ છે. મે શનિવારના વિકાસ પર મારી ચિંતા શેર કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી અને સંપર્કમાં રહેવા સંમત થયા છે.
ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આનાથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જોખમમાં છે.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે તાત્કાલિક તણાવ ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તે મહત્વનું છે કે વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં આવે.
તેમણે વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા તણાવને ટાળવા સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંપર્કમાં રહેવા સંમત થયા હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેણે અને તેના સાથીઓએ ઈરાન દ્વારા છોડવામાં આવેલા ૩૦૦ થી વધુ ડ્રોન અને મિસાઈલોને અટકાવ્યા અને તેનો નાશ કર્યો.