ગાઝા, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિના જેટલો સમય થયો છે ત્યારે હવે યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે અને ઈઝરાયેલે ગઈકાલે રાત્રે ગાઝા પર હવાઈ હુમલો કર્યો હતો જેમાં ૫૧ પેલેસ્ટિનિયનના મોત થયા હતા.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયેલ યુદ્ધમાં હમાસની સાથે સાથે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે પણ લડી રહ્યું છે. ઈઝરાયેલે ગઈકાલે રાતે ફરી એકવાર શરણાર્થી કેમ્પ પર હુવાઈ હુમલો કરતા ૫૧ પેલેસ્ટિનિયનના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો હતા. આ હુમલામાં અનેક મકાનો પણ ધરાશાયી થયા હતા અને ઈમારતો પણ જમીનદોસ્ત થઈ હતી. ગાઝા આરોગ્ય મંત્રાલયએ દાવો કર્યો હતો કે ઇઝરાયેલના હુમલાઓ સતત ચાલુ છે અને અત્યાર સુધીમાં ૯૪૮૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં ૩૯૦૦ બાળકો અને ૨૫૦૯ મહિલાઓ સામેલ છે. આ ઉપરાંત કહ્યું હતું કે હુમલામાં અત્યાર સુધીમાં ૨૪ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.