નોઇડા, નોઈડા પોલીસે રેવ પાર્ટી કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ કરી છે. આ પહેલા એલ્વિશની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. તાજેતરમાં નોઈડામાં સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગના પર્દાફાશ દરમિયાન એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે પોલીસ એલ્વિશની ધરપકડ કરી શકે છે.
નોઈડા પોલીસે છેલ્લે સેક્ટર ૫૧ના એક ગેસ્ટ હાઉસમાંથી કેટલાક લોકોની ધરપકડ કરી હતી, તેમની સાથે પાંચ પ્રજાતિના ૯ સાપ મળી આવ્યા હતા અને ઝેર પણ મળી આવ્યું હતું. આ લોકોની પૂછપરછના આધારે એલ્વિશ યાદવને આરોપી બનાવવામાં આવ્યો હતો. રવિવારે સેક્ટર ૧૩૫ પોલીસે આ જ કેસમાં એલ્વિશને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. પૂછપરછ બાદ પોલીસે ઘટનાસ્થળે જ એલ્વિશની ધરપકડ કરી હતી.
ગયા વર્ષે નવેમ્બરમાં પોલીસે સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પીપલ ફોર એનિમલ્સ સંસ્થાના ગૌરવ ગુપ્તાની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૌરવનો આરોપ હતો કે નોઈડામાં રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે અને વીડિયો બનાવવામાં આવે છે. જેના આધારે ડ્રગ્સ વિભાગે વન વિભાગ સાથે મળીને સેક્ટર ૫૧માં એક બેક્ધ્વેટ હોલમાં દરોડો પાડ્યો હતો. રવિનાથ, નારાયણ, જયકરણ, રાહુલ અને તિતુનાથ સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા.
આ દરોડા દરમિયાન પકડાયેલા લોકો પાસેથી ૫ કોબ્રા સાપ, એક ઘોડા પચાડ, એક અજગર અને બે બે માથાવાળા સાપ અને સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. તે સમયે નોંધાયેલી એફઆઈઆરમાં આ સાપના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવાનું કહેવાયું હતું. ઝડપાયેલા લોકોની પૂછપરછના આધારે આ કેસમાં એલ્વિશ યાદવનું નામ સામે આવતા પોલીસે એલ્વિશ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ડીસીપી નોઈડા વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી ૨ વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.