નવીદિલ્હી,
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના લોક્સભા સાંસદ બદરુદ્દીન અજમલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મોદીનું અસલી સૂત્ર ’સબકા સાથ, સબકા સત્યનાશ’ છે. એક ઈન્ટરવ્યુમાં અજમલે એમ પણ કહ્યું કે, યોગી આદિત્યનાથ અને હિમંતા બિસ્વા સરમા મોદીના અસલી દુશ્મન છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી પણ ઈચ્છે છે કે, ભાજપને મુસ્લિમોના વોટ મળે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ કામ કરે છે.
બદરુદ્દીન અજમલે કહ્યું કે, હિમંતા બિસ્વા સરમાએ આસામમાં મુસ્લિમો પર અત્યાચાર કરવાનું કામ કર્યું છે. અજમલે કહ્યું કે આસામના મુખ્યમંત્રી રાત્રે ૨:૦૦ વાગ્યે સપનું જુએ છે કે મુસ્લિમો પર ઘણા દિવસોથી અત્યાચાર નથી થઈ રહ્યા. તેથી તેઓ કંઈકને કંઈક કરતા રહે છે. બદરુદ્દીન અજમલે કહ્યું કે, ભાજપના નેતાઓ નથી ઈચ્છતા કે મુસ્લિમો ભણે અને શિક્ષિત થાય. ધર્મના આધારે મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે.
એઆઇયુડીએફ સાંસદે ઈન્ટરવ્યુમાં સમાન નાગરિક સંહિતા, એનઆરસી અને એસીસી વિશે પણ વાત કરી. બદરુદ્દીન અજમલે કહ્યું કે અમે યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધ છીએ અને અંતિમ શ્ર્વાસ સુધી એનઆરસી સીએએનો વિરોધ કરીશું. બદરુદ્દીન અજમલે પણ ’સર તન સે જુડા’ ના નારા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે આ વાત સાથે બિલકુલ સહમત નથી.
૨૦૨૪ની લોક્સભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા બદરુદ્દીન અજમલે કહ્યું કે, જો મોદી અને બીજેપીને હટાવવી હોય તો તમામ વિપક્ષી પાર્ટીઓએ એક થવું પડશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તમામ વિપક્ષી પાર્ટીઓ એક નહીં થાય ત્યાં સુધી કંઈ થવાનું નથી. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે જો ભાજપને હરાવવા હોય તો તમામ વિપક્ષી દળોએ હાથ મિલાવવો પડશે અને લોકોને વિકલ્પ આપવો પડશે.
બાળ લગ્ન અંગે છેલ્લા દિવસોમાં આસામ સરકારે હજારોની ધરપકડ કરી. આ મામલે બદરુદ્દીન અજમલે કહ્યું કે, અમે આ મામલે સરકારની સાથે છે અને પોતે લોકોને વિનંતી કરીએ છીએ કે, સગીર છોકરીઓના લગ્ન ન કરો. જોકે, આ દરમિયાન બદરુદ્દીન અજમલે સરકારની નિયત પર સવાલ ઉઠવતા કહ્યું કે, માત્ર ઓછી ઉંમરની છોકરીઓના લગ્ન મામલે માત્ર હજારો મુસલમાનોની જ ધરપકડ કરવામાં આવી હિન્દુઓની કેમ નહીં?