૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા છે. વરસાદના લીધે વડાપ્રધાન ડલ નદી કિનારે ૭ હજાર લોકો સાથે યોગ કરી શક્યા નથી. પરંતુ કાર્યક્રમનું સ્થળ બદલી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં મોદીએ ૫૦ લોકો સાથે યોગ કર્યો હતો. યોગ દિવસ નિમિત્તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે, કેન્દ્રની એનડીએ સરકારના સહયોગી જેડીયુ અને ટીડીપી આ કાર્યક્રમમાં જોવા મળી ન હતી. બિહારમાં આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં પણ મુખ્ય મંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા ન હતા. બિહારમાં જેડીયુના સહયોગી ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા યોગ દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
એનડીએના બીજા સૌથી મોટા સહયોગી ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ યોગ દિવસ પર યોગ કરતા જોવા મળ્યા ન હતા. તેમજ તેમણે સોશિયલ મીડિયા પર યોગ દિવસને લગતું કંઈ પણ ટ્વિટ કર્યું નથી. એકંદરે, આ યોગ દિવસ પર એનડીએના બંને મોટા સહયોગીઓ ગાયબ રહ્યા હતા.
આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે એનડીએના બે સાથી પક્ષો ક્યાં છે? નાયડુ અને નીતિશ બંને રાજ્યોના મુખ્યમંત્રી છે. આવી સ્થિતિમાં બંને રાજ્યોમાં આયોજિત સરકારી કાર્યક્રમોમાં નીતીશ-નાયડુની ગેરહાજરીએ ચર્ચાઓ શરૂ કરી છે. લોકો નીતીશ-નાયડુએ યોગ દિવસ પર યોગ કેમ ન કર્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. તદુપરાંત મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાગ લીધો હતો. બંને નેતાઓએ હજારો લોકોની હાજરીમાં યોગ કર્યા હતા. જો કે એનસીપી ચીફ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.