યે ધરતી સબકા હિસાબ બરાબર…’કેટલાક લોકોએ પ્રયાગરાજને અન્યાય અને અત્યાચારનું શિખર બનાવી દીધું હતું

  • અતીક-અશરફની હત્યા બાદ પહેલીવાર યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા.

પ્રયાગરાજ,માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ પહેલીવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, કેટલાક લોકોએ પ્રયાગરાજને અન્યાય અને અત્યાચારનું શિખર બનાવી દીધું હતું. જોકે આ ધરતી દરેકનો હિસાબ સરખો રાખે છે. સીએમ યોગીની રેલી એ જ ચાકિયા વિસ્તારમાં યોજાઈ રહી છે, જે એક સમયે અતીકનો ગઢ હતો. અતીકનું ઘર અને ઓફિસ પણ અહીં છે.

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ’પ્રયાગરાજ તેની આધ્યાત્મિકતા અને ન્યાયની ભૂમિ તરીકે ઓળખાય છે. તુલસીદાસે કહ્યું હતું કે, કર્મ પ્રમાણે ફળ મળે છે, પ્રયાગરાજ જ્યાં ન્યાય મળે છે, કેટલાક લોકોએ તેને અન્યાય અને અત્યાચારનો શિકાર બનાવ્યો હતો, આ પ્રકૃતિ દરેકનો હિસાબ લે છે.

રામચરિતમાનસની ચોપાઈનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ’આ પ્રકૃતિ ન તો ત્રાસ આપે છે અને ન તો ત્રાસ સહન કરે છે. પ્રયાગરાજની ધરતી ક્યારેય કોઈને નિરાશ કરતી નથી. અમે સૌના વિકાસના નામે સૌને સાથે રાખીને કામ કર્યું પરંતુ ક્યારેય તુષ્ટિકરણને પ્રોત્સાહન આપ્યું નથી. આપણે ૨૦૧૭ પહેલા ઉત્તર પ્રદેશ પણ જોયું છે, આજે ઉત્તર પ્રદેશમાં બધું બરાબર છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પહેલા લોકો ગરીબોની જમીન કબજે કરવા માટે આતંકનો ઉપયોગ કરતા હતા. પહેલા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હતી, આજે યુવાનોના હાથમાં પિસ્તોલ નથી કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે તેમના હાથમાં પિસ્તોલ રાખવાનું શું પરિણામ આવે છે ? આજે તેના હાથમાં ટેબ્લેટ છે, જેઓ પિસ્તોલ રાખતા હતા તેમની હાલત આખું રાજ્ય જોઈ રહ્યું છે.

બીજેપી ઉમેદવારો માટે વોટ માગતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, જે માફિયા ગરીબોની જમીન પર અતિક્રમણ કરશે, તેની જમીન પર પણ ગરીબો માટે ઘર બનાવવામાં આવશે. અમે અહીં ગરીબો માટે માફિયાઓની મિલક્તો પર મકાનો બનાવ્યા છે, જેનું ઉદ્ઘાટન આવતા મહિને થશે નોંધપાત્ર વાત એ છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ પ્રથમ વાર પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં આવતા પહેલા સીએમ યોગીએ કહ્યું હતું કે, યુપીમાં માફિયા નહીં ચાલે, અતીક અશરફને ખતમ કરી દેવામાં આવ્યો છે અને મુખ્તાર જેલ જવાનો રસ્તો બનાવી ચૂક્યો છે.