અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભરગરમીમાં મતદાન કરવા ક્યાં જવું તેવી ભક્તોની પોકાર સાંભળી લેતા હોય તે મા અંબાજીના ધામમાં ભરબપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ભરઉનાળ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાનું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.
જો કે ધીમી ધારે પડેલા વરસાદના લીધે ખેડૂત વર્ગમાં નુક્સાન થવાની ચિંતા છે. બીજી બાજુએ મતદાન કરવા જનારાઓએ રાહત અનુભવી હતી. હવામાન જાણકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. યાત્રાધામ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તૂટી પડ્યો હતો.
અંબાજી ઉપરાંત દાહોદ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો.અમદાવાદ શહેર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સવારથી જ વાદળછાયુ હતુ. વાદળછાયા વાતવરણના લીધે ગરમીનો પારો થોડો ઘટ્યો હોવાનો અનુભવ થયો હતો.