યશસ્વીના શિરે વધુ એક યશકલગી: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલી સદી

વિશાખાપટ્ટનમ,ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. જયસ્વાલે ૧૫૧ બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં જયસ્વાલ શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જયસ્વાલની બેટિંગમાં ઘણો આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો હતો. યશસ્વીએ ઇંગ્લિશ બોલરોને પોતાના પર હાવી થવા દીધા ન હતા.

યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડના બોલરોને ફટકાર્યા હતા. યશસ્વી ખૂબ જ સમજદારી સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ભારતીય ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલની આ પ્રથમ સદી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેની કારકિર્દીની આ બીજી સદી છે. જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. બેટિંગ દરમિયાન યશસ્વી જયસ્વાલે પહેલા કેપ્ટન રોહિત શર્મા અને પછી શુભમન ગીલ સાથે મળીને આગેવાની લીધી હતી. ત્રણ વિકેટ પડ્યા બાદ પણ જયસ્વાલની રમવાની શૈલીમાં કોઈ ફેરફાર થયો નથી. જયસ્વાલ એક પછી એક શાનદાર શોટ રમતા રહ્યા. જયસ્વાલે હૈદરાબાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. જયસ્વાલે આ ઇનિંગમાં ૮૦ રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલે વર્ષ ૨૦૨૩ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન જ તેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી જયસ્વાલ ટેસ્ટ ટીમમાં સતત યથાવત છે. ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલની બેટિંગ એવરેજ ૪૫થી વધુ છે.