ઉત્તરાખંડ, હાલ ચારધામ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. યાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. યમુનોત્રી યાત્રા ધામમાં એટલી સંખ્યા વધી રહી છે કે ઉત્તરાખંડની પોલીસે એક અપીલ કરવાની ફરજ પડી.
ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. વધતી ભીડ અને જોખમને જોતા ઉત્તરકાશી પોલીસે એક અપીલ કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પોસ્ટ પર યમુનોત્રીમાં જો મુસાફરોની સંખ્યા વધી જાય તો ..તેને લઇને જોખમ વધી શકે છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ એક અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે પર્યાપ્ત સંખ્યામાં મુસાફરો અહીં પહોંચ્યા હતા. ટ્વિટ કરતા જણાવ્યું કે ક્ષમતા મુજબ પર્યાપ્ત શ્રદ્ધાળુઓ યાત્રા માટે શ્રી યમુનોત્રી ધામ પહોંચી ગયા છે. હવે વધુ ભક્તો મોકલવા જોખમી છે. આજે યમુનોત્રી યાત્રાએ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને આજની યમુનોત્રી યાત્રા મોકૂફ રાખવા નમ્ર અપીલ છે.
ઉત્તરકાશી પોલીસે સવારે લગભગ ૬ વાગે પોતાના એક્સ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યુ છે કે છેલ્લા કેટલાક દિવસોથી યમુનોત્રી યાત્રાના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જરૂર કરતાં વધુ શ્રદ્ધાળુઓ યમુનોત્રી પહોંચી રહ્યા છે, આવી સ્થિતિમાં વહીવટીતંત્ર હવે લોકોની સુરક્ષાને લઈને ચિંતિત છે.મહત્વનું છે કે કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામના દરવાજા ખુલી ગયા છે, તેથી હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે.
ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રીનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામની સાથે પ્રવાસીઓ પણ યમુનોત્રી તરફ વળ્યા છે. તમને જણાવી દઈએ કે યાત્રાની શરૂઆત પહેલા જ સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે આ વખતે ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યાના તમામ રેકોર્ડ તૂટી જશે. રાજ્ય સરકારે આ માટે વ્યવસ્થા પણ કરી છે, પરંતુ યાત્રા શરૂ થતાંની સાથે જ ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ યમુનોત્રી ધામમાં પહોંચ્યા હતા.