નવીદિલ્હી,
દિલ્હીના કાંઝાવાલા જેવો અકસ્માત મથુરામાં થયો છે. અહીં યમુના એક્સપ્રેસ વે પર કારમાં ફસાયેલો યુવકનો મૃતદેહ લગભગ ૧૧ કિલોમીટર સુધી કારમાં ઢસડાયો. જ્યારે કાર ટોલ પ્લાઝા પર રોકાઈ ત્યારે સિક્યોરિટી ગાર્ડે મૃતદેહને કારની નીચે ફસાયેલો જોયો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે કારની નીચેથી લાશને બહાર કાઢી હતી. મૃતદેહના બે ભાગ થઈ ગયા હતા અને કારમાં અલગ અલગ જગ્યાએ ટુકડા ચોંટી ગયા હતા.
એસપી દેહાત ત્રિગુન વિશેને જણાવ્યું હતું કે જે કારમાં મૃતદેહ ફસાયો હતો એ આગ્રાથી દિલ્હી જઈ રહી હતી. દિલ્હીનો રહેવાસી વીરેન્દ્ર સિંહ કાર ચલાવી રહ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. વીરેન્દ્રએ જણાવ્યું હતું કે રાત્રે એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ હતું. આ અકસ્માત કોઈ વાહન સાથે થયો હોવો જોઈએ અને તેની લાશ એક્સપ્રેસ વે પર પડી હશે. ધુમ્મસમાં પડેલી લાશ દેખાતી ન હતી. આવી સ્થિતિમાં તે કારમાં ફસાઈને ખેંચાઈ ગઈ હોવી જોઈએ.લાશને કારમાં એટલી દૂર ખેંચવામાં આવી હતી કે તેના બે ટુકડા થઈ ગયા હતા. દૃશ્યમાં શરીરનો માત્ર ઉપરનો ભાગ જ દેખાય છે.
એસપી દેહાતનું કહેવું છે કે માંટ વિસ્તારમાં માઈલ સ્ટોન ૧૦૬ પર લોહીનાં નિશાન મળી આવ્યાં છે એટલે ત્યાં અકસ્માત થયો હોવાની શક્યતા છે. અહીં પડેલી લાશ કારમાં ફસાઇને આવી હોવાનું અનુમાન છે. માઇલ સ્ટોન ૧૦૬થી ટોલ પ્લાઝાનું અંતર લગભગ ૧૧ કિમી છે, જેના કારણે મૃતદેહ ૧૧ કિમી સુધી ઢસડાયો હોવાની આશંકા છે. મૃતકના ખિસ્સામાંથી તૂટેલો કીપેડ મોબાઈલ ફોન અને ૫૦૦ રૂપિયા મળી આવ્યા છે. ચહેરો ઓળખી શકાયો નહિ. એક્સપ્રેસ વે પર લાગેલા સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. નજીકના ગ્રામજનો તરફથી પણ મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
કાર સ્વિટ ડિઝાયર છે. મંગળવારે પરોઢિયે ૪ વાગ્યે માંટ ટોલ પ્લાઝા પર પહોંચી. કારમાં ૨ મહિલા અને ૨ પુરુષ હતાં. તેઓ દિલ્હીના તિગડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સંગમ વિહારના રહેવાસી છે. આગ્રામાં લગ્નના કાર્યક્રમમાંથી પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા.
જ્યારે કાર ટોલ પસાર માટે રોકાઈ ત્યારે ત્યાં હાજર ગાર્ડે કારની પાછળના ભાગથી રોડ પર લોહીના નિશાન જોયા. પછી કારની પાછળ જઈને જોયું તો યુવકની લાશ ફસાયેલી હતી.
કારચાલક વીરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે તેને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી. તેમની કાર સાથે કોઈ અકસ્માત થયો ન હતો. ટોલ પ્લાઝા પર લોકોએ તેને કહ્યું કે લાશ કારમાં ફસાઈ ગઈ છે. યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ હતું. અન્ય વાહન સાથે અકસ્માત થયો હોવો જોઈએ. મને કાર નીચે લાશ છે એની ખબર પણ નથી પડી.