ડબ્લ્યુટીસી ફાઇનલમાં કેપ્ટન રોહિતના નામે થશે મોટો રેકોર્ડ, નંબર-૧ ભારતીય બનશે !

મુંબઇ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭ થી ૧૧ જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. બંને ટીમના ખેલાડીઓ ઓવલ પહોંચી ગયા છે અને આ મોટી મેચ માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા પાસે આ મેચમાં મોટો રેકોર્ડ બનાવવાની શાનદાર તક છે. રોહિત આ રેકોર્ડથી માત્ર બે ડગલાં દૂર છે. જો તે આ રેકોર્ડ પોતાના નામે કરી દેશે તો તે ભારતીય ખેલાડીઓમાં નંબર વન પર આવી જશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓમાં રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. તે રિષભ પંતના ૩૮ સિક્સરનો રેકોર્ડ તોડવાથી માત્ર ૨ પગલાં દૂર છે. આ યાદીમાં પંત બીજા નંબર પર છે. રોહિતના નામે ૩૭ છગ્ગા છે. જો તે ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ૨ છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે ડબ્લ્યુટીસીમાં સૌથી વધુ છગ્ગા મારનાર બીજો ખેલાડી બની જશે જ્યારે તે ભારતીય ખેલાડીઓમાં પ્રથમ આવશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના નામે છે. તેણે ૫૯ સિક્સર ફટકારી છે. આ પછી ભારતનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત છે. તેણે ૩૮ સિક્સર ફટકારી છે. જોકે, તે આ મેચમાં ટીમનો ભાગ નથી. ત્રીજા નંબર પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા ૩૭ છગ્ગા સાથે છે. ચોથા નંબર પર ભારતના મયંક અગ્રવાલ છે. તેના નામે ૨૨ સિક્સર છે. મયંક પણ આ મેચમાં ટીમનો ભાગ નથી, જ્યારે ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ પાંચમા નંબર પર છે. તેણે ૨૨ સિક્સર ફટકારી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માએ અત્યાર સુધી ૨૨ મેચ રમીને ૫૨.૭૬ની એવરેજથી ૧૭૯૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી ૬ સદી પણ ફટકારી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ૨૦૧૩થી અત્યાર સુધી કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં જો ટીમે ૧૦ વર્ષ બાદ આઇસીસી ટ્રોફી પોતાના નામે કરવી હોય તો ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં બાકીના બેટ્સમેન સિવાય રોહિત શર્માને પણ મોટી ઇનિંગ રમવી પડશે. ટીમ ૨૦૨૧ ડબ્લ્યુટીસી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ૮ વિકેટે હારી હતી.