નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી મીડલ ઑર્ડર બેટર શ્રેયસ અય્યર ફરીવાર પીઠની ઈજાને કારણે રમતથી દૂર થયો છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં તેને પીઠમાં ઈજા થઈ હતી. અય્યરે પોતાની આ ઈજામાંથી સાજા થવા માટે સર્જરી કરાવવી પડશે જેના કારણે તે છથી સાત મહિના સુધી ક્રિકેટથી દૂર થઈ જશે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે શ્રેયસ અય્યરે પોતાની સર્જરી અત્યારે નહીં કરાવવાનો નિર્ણય લીધો છે.
તે આઈપીએલ કરતાં વર્લ્ડકપ ઉપર વધુ યાન કેન્દ્રીત કરી રહ્યો છે. જો શ્રેયસ સર્જરી કરાવે છે તો ઓછામાં ઓછા છથી સાત મહિના સુધી બહાર થઈ જશે જેના કારણે તે વર્લ્ડકપમાં પણ ભાગ લઈ શકશે નહીં.
આ જ કારણથી તે બિલકુલ જોખમ લેવા માંગતો નથી. વર્લ્ડકપનું આયોજન ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાનું છે. આ ઉપરાંત શ્રેયસ અય્યરના આઈપીએલમાં રમવાની અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ એવી વાત છે કે અય્યર ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો કદાચ ગુમાવી શકે છે.
૨૮ વર્ષીય અય્યરે ભારત માટે ૪૯ ટી-૨૦, ૪૨ વન-ડે અને ૧૦ ટેસ્ટ મુકાબલા રમ્યા છે. ટી-૨૦માં અય્યરે ૩૦.૭ની સરેરાશ અને ૧૩૬ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતાં ૧૦૪૩ રન બનાવ્યા છે જેમાં તેના બેટમાંથી સાત ફિફટી પણ નીકળી છે. અય્યરે વન-ડેમાં ૪૬.૬ની સરેરાશથી બે સદી અને ૧૪ ફિફટીની મદદથી ૧૬૩૧ રન બનાવ્યા છે. તેના ઉપરાંત ટેસ્ટમાં તેણે ૪૧.૬ની સરેરાશથી ૬૬૬ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટમાંથી એક સદી અને પાંચ ફિફટી જોવા મળી છે.