વર્લ્ડ કપની તૈયારીમાં જોતરાયેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમ બળીને ખાક

  • ICC ODI વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આગ
  • ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં આગ ફાટી નીકળી
  • આગના કારણે તમામ સામાન બળીને રાખ થઈ ગયો 

વર્લ્ડ કપ 2023 પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આગ લાગી છે. વાત જાણે એમ છે કે, બુધવારે મોડી રાત્રે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ તરફ આગના કારણે તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. મહત્વનું છે કે, ICC ODI વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં જવામાં આવશે. આ માટે 10 શહેરોના ક્રિકેટ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આ સ્ટેડિયમોમાં નવીનીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.  

રિપોર્ટ અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. હાલમાં ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લઈ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આગ ડ્રેસિંગ રૂમની ફોલ્સ સિલિંગમાં લાગી હતી કે જ્યાં ક્રિકેટર્સના સાધનો રાખવામાં આવ્યા હતા.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગેલી આગમાં નુકસાન એટલું ન હતું પરંતુ ત્યાં હાજર ખેલાડીઓનો તમામ સામાન બળી ગયો હતો. આગામી વર્લ્ડ કપ માટે બે મહિનાથી ઓછા સમય બાકી છે ત્યારે આ ઘટનાએ ઈડન ગાર્ડન્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રશ્નાર્થ મૂક્યો છે. આ તરફ હવે અચાનક આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. નોંધનિયક છે કે, વર્લ્ડકપ 2023ના કારણે સ્ટેડિયમમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે .

અહી નોંધનીય છે કે, કોલકાતાના ઈડન ગાર્ડન્સ ODI વર્લ્ડ કપની પાંચ મેચોની યજમાની કરશે. આ પાંચમાંથી એક મેચ સેમી ફાઈનલની પણ છે. ઈડન ગાર્ડન્સ મેદાન પર પ્રથમ મેચ નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 28 ઓક્ટોબરે રમાશે જ્યારે બીજી મેચ 31 ઓક્ટોબરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે છે. ત્રીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 નવેમ્બરે રમાશે. અહીં 11મી નવેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. જ્યારે ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરના રોજ આ જ મેદાન પર રમાશે.