વર્લ્ડકપની કડવી યાદો ભૂલાવી ટીમ ઈન્ડિયાની ’યંગબ્રિગેડ’ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે

  • ઈશાન-હુડ્ડા કરી શકે ઓપનિંગ, શ્રેયસ, પંત, સુંદર સહિતના ખેલાડીઓને અજમાવાઈ શકે

નવીદિલ્હી,

૧૫ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પાસે ટી-૨૦ વર્લ્ડકપ જીતવાની તક હતી પરંતુ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે શરમજનક પરાજય બાદ આ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ કડવી યાદોને ભૂલાવીને હવે કાલથી ટીમ ઈન્ડિયા વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમવા માટે ઉતરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો આ ટીમનો હિસ્સો નથી એટલા માટે હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે. રોહિત શર્મા-કે.એલ.રાહુલ આ શ્રેણી રમી રહ્યા નથી એટલા માટે યુવા બેટર ઈશાન કિશન ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે અને તેની સાથે દીપક હુડ્ડા ઈનિંગનો પ્રારંભ કરી શકે છે. જ્યારે ત્રીજા ક્રમે શ્રેયસ અય્યર બેટિંગ કરવા માટે ઉતરી શકે છે જે અત્યારે શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે. નંબર ચાર ઉપર સૂર્યકુમાર યાદવ તો નંબર પાંચ ઉપર કેપ્ટન હાર્દિક પંડ્યા આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકિપર તરીકે ૠષભ પંતનું રમવું ફાઈનલ હોવાથી તે છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવી શકે છે. આ સાથે જ તેના ઉપર બેસ્ટ ફિનિશિંગ ટચ આપવાની જવાબદારી પણ રહેશે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક ઉપર ભરોસો વ્યક્ત કર્યો હતો પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે હવે તેને બહાર કરી દેવામાં આવ્યો છે. લોઅર ઓર્ડર મતલબ કે નીચલા ક્રમે સાતમા નંબરે ઑલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની જગ્યા પાક્કી ગણાઈ રહી છે.

બોલિંગની વાત કરવામાં આવે તો યુઝવેન્દ્ર ચહલનું પ્લેઈંગ ઈલેવનમાં રમવું નિશ્ર્ચિત છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, ભુવનેશ્ર્વર કુમાર સહિતના સીનિયરોની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાની તક રહેશે. ટીમ મેનેજમેન્ટ ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડકપને યાનમાં રાખીને યુવાઓને વધુમાં વધુ તક આપવા માંગે છે જેથી ભવિષ્યની મજબૂત ટીમ તૈયાર થઈ શકે. આગલો વિશ્ર્વકપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે ત્યારે એવી સંભાવના પણ અત્યારથી જ વ્યક્ત થઈ રહી છે કે તેમાં રોહિત અને કોહલી જેવા ખેલાડીઓની રવાનગી થશે.

કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે ૧૨ વાગ્યાથી પ્રથમ ટી-૨૦ મુકાબલો રમાવાનો છે. આ મેચ વેલિંગ્ટનમાં રમાશે જ્યાં ટીમ ઈન્ડિયાએ ૧૩ વર્ષમાં ત્રણ મેચ રમી છે જેમાં બેમાં તેનો પરાજય થયો છે તો એક મેચ ટાઈ રહી છે. છેલ્લે જાન્યુઆરી-૨૦૨૦માં બન્ને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી જે ટાઈ રહી હતી. ભારતના આઠ વિકેટ પર ૧૬૫ રનના જવાબમાં ન્યુઝીલેન્ડે સાત વિકેટે આટલા જ રન બનાવ્યા હતા. હાદકે આ મેચમાં ૨૦ રન બનાવવાની સાથે બે વિકેટ પણ ખેડવી હતી.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કાલથી શરૂ થતી શ્રેણીનું લાઈવ પ્રસારણ ન તો સ્ટાર સ્પોર્ટસ કે ન તો સોની સ્પોર્ટસ પર થાય. ભારતમાં દૂરદર્શન સ્પોર્ટસ એકમાત્ર એવી ટીવી ચેનલ છે જે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ કરશે. ટીમ ઈન્ડિયાના ચાહકો વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની જેમ જ આ શ્રેણીને પણ ડીડી સ્પોર્ટસ ઉપર લાઈવ જોઈ શકશે. આ ઉપરાંત અમેઝોન પ્રાઈમ વીડિયો પોતાના પ્લેટફોર્મ ઉપર મેચનું લાઈવ સ્ટ્રિમિંગ કરશે. આવું પહેલીવાર થશે જ્યારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલી કોઈ શ્રેણી અમેઝોન પ્રાઈમ વીડિયો પર લાઈવ જોવા મળશે.