વર્લ્ડકપના ફાઈનલની ટિકિટ મેળવવા કાલે ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે


ઈંગ્લેન્ડ પાસે ૯ નંબર સુધી બેટર હોવાને કારણે પાવરપ્લેમાં ઓછામાં ઓછી ત્રણ વિકેટ ખેડવવાનો ભારતીય બોલરો સામે પડકાર
નવીદિલ્હી,
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે એડિલેડમાં ટી-૨૦ વર્લ્ડકપના સેમિફાઈનલમાં કાંટે કી ટક્કર થશે. ૬ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટના સેમિફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ૨૦૧૬માં તેણે અંતિમ-૪નો મુકાબલો રમ્યો હતો. અત્યારે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ’તાકાત’ છે. સૂર્યની ત્રણ ફિફટી અને ૩૬૦ ડિગ્રી શોટસ ચર્ચામાં છે જ સાથે સાથે ભારતને જીત અપાવવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે ભલે તેના બેટે વધુ ગર્જના ન કરી હોય પરંતુ આફ્રિકા વિરુદ્ધ ૬૮ તો ઝીમ્બાબ્વે અને નેધરલેન્ડ સામે તેણે રમેલી અણનમ ઈનિંગે એક અલગ જ છાપ છોડી છે. આવી જ રીતે કોહલીએ પણ શાનદાર ફોર્મ મેળવી લઈને ટીમને મજબૂત બનાવી દીધી છે.

ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ આ વર્લ્ડકપમાં કમાલની રહી છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી સાથે સાથે ભુવનેશ્ર્વર કુમાર પણ વેધક બોલિંગ કરી રહ્યો છે. જો કે ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ત્રણ કમજોરી પણ સામે આવી છે. ઓપનિંગ જોડી, સ્પિન બોલિંગ અને ખરાબ ફિલ્ડિંગ ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. બન્ને ઓપનર્સ એકવાર પણ ૫૦ રનની ભાગીદારી કરી શક્યા નથી. રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં ૪, ૫૩, ૧૫, ૨ અને ૧૫ રનનો સ્કોર કર્યો છે. રાહુલ પોતાના પ્રારંભીક મેચોમાં લોપ રહ્યો પરંતુ બાદમાં તેણે બાંગ્લાદેશ અને ઝીમ્બાવે સામે ફિફટી બનાવી હતી. હવે તેણે ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમ સામે પોતાને સાબિત કરવો પડશે.

ટીમ ઈન્ડિયાની સ્પીન બોલિંગ આ વર્લ્ડકપમાં સરેરાશ રહી છે. અક્ષર પટેલને પાકિસ્તાન-બાંગ્લાદેશ સામે એક પણ વિકેટ મળી નહોતી. ઝીમ્બાબ્વે સામે તેણે ૪૦ રન આપી દીધા હતા. અશ્વિન પણ કશું ખાસ કમાલ કરી શક્યો નથી. તેને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે એક પણ વિકેટ મળી નહોતી તો આફ્રિકા વિરુદ્ધ તેણે ૪૩ રન લૂંટાવી દીધા હતા. આવામાં તેની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી શકે છે કેમ કે ચહલનો રેકોર્ડ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર છે. તેણે ૧૧ મેચ રમી છે અને ૧૬ વિકેટ ખેડવી છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ માત્ર એક મુકાબલો આફ્રિકા વિરુદ્ધ હાર્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ ખરાબ ફિલ્ડિંગ રહી હતી. સૂર્યકુમાર યાદવે એક તો રોહિત શર્માએ રનઆઉટના બે ચાન્સ ગુમાવ્યા હતા. કોહલીએ પણ ૧૨મી ઓવરના પાંચમા બોલે માર્કરમનો કેચ છોડ્યો હતો જે પછી માર્કરમે ફાયદો ઉઠાવીને ૪૧ બોલમાં ૫૨ રન બનાવી લીધા હતા.

બીજી બાજુ આ વર્લ્ડકપમાં સૌથી ખતરનાક બોલર હોય તો તો ઈંગ્લેન્ડનો માર્ક વૂડ છે. તેણે અત્યાર સુધી રમેલા ચાર મેચમાં નવ વિકેટ મેળવી છે. ૩૨ વર્ષીય માર્ક વુડે અફઘાન વિરુદ્ધ ચાર ઓવરમાં ૧૪૯.૦૨ કિ.મી. પ્રતિ કલાકની સરેરાશથી બોલિંગ કરી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેણે ૧૫૪.૭૪ની સ્પીડથી બોલ ફેંક્યો હતો. ભારત માટે ફાયદાની વાત એ છે કે ઈન ફોર્મ બેટર કોહલીનું બેટ માર્ક વૂડ વિરુદ્ધ ખૂબ જ ચાલી રહ્યું છે તેણે વુડ સામે ૧૯ બોલ રમ્યા છે જેમાં ૪૬ રન ઝૂડ્યા છે.

જો કે ઈંગ્લેન્ડનો સ્પીન બોલિંગ એટેક પણ ટીમ માટે મુશ્કેલી બની શકે છે. લિયામ લિવિંગસ્ટોન હોય કે પછી મોઈન અલી હોય કે પછી આદિલ રશિદ હોય ત્રણેયનો રેકોર્ડ ભારત વિરુદ્દ શાનદાર રહ્યો છે. ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન પણ તેની મજબૂતિ છે. ટીમ પાસે ૯ નંબર સુધી બેટર છે. આવામાં ભારતે પાવરપ્લેમાં ઓછામાં ઓછી ત્રણ વિકેટ લેવી જ પડશે.

કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડના જે ઓવલ મેદાન ઉપર સેમિફાઈનલ મુકાબલો રમાવાનો છે ત્યાં ટોસને લઈને રસપ્રદ આંકડા બહાર આવી રહ્યા છે. આ ગ્રાઉન્ડ ઉપર વર્લ્ડકપના ૧૧ મુકાબલા રમાઈ ચૂક્યા છે પરંતુ ટોસ જીતનારી ટીમ અહીં મેચ હારી જાય છે. માત્ર એ ટીમને જ જીત મળે છે તે ટોસ હારે છે. ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને હરાવ્યું હતું જેમાં ટોસ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ-અલ-હસને જીત્યો હતો. આ જોતાં રોહિત કાલે ટોસ હારી જ જાય તેવી સૌ પ્રાર્થના કરશે.