વર્લ્ડકપ માટે શ્રીલંકા ’ક્વોલિફાય’; હવે એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે ટક્કર

નવીદિલ્હી, શ્રીલંકાએ ઝીમ્બાબ્વે ઉપર નવ વિકેટે ધમાકેદાર જીત મેળવી વર્લ્ડકપમાં રમવા માટેની ટિકિટ મેળવી લીધી છે. વર્લ્ડકપ-૨૦૨૩માં કુલ દસ ટીમો ભાગ લેશે જેમાંથી આઠ ટીમે ડાયરેક્ટ ક્વોલિફાય કર્યું છે તો બાકીની બે ટીમનો નિર્ણય વર્લ્ડકપ ક્વોલિફાયર્સથી થશે. શ્રીલંકાના ટિકિટ મેળવ્યા બાદ વર્લ્ડકપ માટે હવે એક જ જગ્યા બાકી રહી છે અને તેના માટે ત્રણ દાવેદારો છે.

ક્વોલિફાયર્સ મુકાબલાનું યજમાન ઝીમ્બાબ્વે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાની રેસમાં સૌથી આગળ છે. તેણે પોતાની સર્વશ્રેષ્ઠ રમત બતાવી છે. શ્રીલંકા સામે હાર્યા પહેલાં તેને કોઈ પણ હરાવી શક્યું ન્હોતું. હવે તેનો છેલ્લો મુકાબલો સ્કોટલેન્ડ સામે છે ત્યારે જો તે આ મેચ જીતી જાય છે તો ક્વોલિફાય થશે અને જો ઉલટફેર કરવામાં સ્કોટલેન્ડ સફળ થયું તો પછી ટૂર્નામેન્ટ રોમાંચક બની રહેશે.

આવી જ રીતે વિન્ડિઝને હરાવીને ઉલટફેર કરનારી સ્કોટલેન્ડની કિસ્મત પણ ઝીમ્બાબ્વેની તેમજ તેના જ હાથમાં છે. સ્કોટલેન્ડે હજુ બે મેચ રમવાની છે અને જો બન્નેમાં તે જીતી જાય છે તો તે ક્વોલિફાય થઈ જશે. આગલી બે મેચ તેણે ઝીમ્બાબ્વે અને નેધરલેન્ડ સામે રમવાની છે.

જ્યારે નેધરલેન્ડના મુકાબલા ઓમાન અને સ્કોટલેન્ડ સામે થશે. નેધરલેન્ડે આ બન્ને મુકાબલા મોટા અંતરથી જીતવાની સાથે જ ઝીમ્બાબ્વેની હાર માટે દુઆ કરવી પડશે. જો એક તરફ સ્કોટલેન્ડ આગલી મેચમાં ઝીમ્બાબ્વેને હરાવે છે અને બીજી બાજુ નેધરલેન્ડ સ્કોટલેન્ડ પર જીત મેળવે છે તો કોઈ પણ ટીમ છ પોઈન્ટથી વધુ હાંસલ કરી શકશે નહીં. આ સ્થિતિમાં નેટ રનરેટનાઆધારે અંતિમ ટીમની પસંદગી થશે.