નવીદિલ્હી, ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાની હેઠળ આઈસીસી વન-ડે વર્લ્ડકપનું આયોજન થવાનું છે. આ ટૂર્નામેન્ટની સૌ ક્રિકેટરસિકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે જેનો પ્રારંભ પાંચ ઑક્ટોબરથી થવા જઈ રહ્યો છે. આઠ ઑક્ટોબરે ભારત પોતાનો પ્રથમ વર્લ્ડકપ મુકાબલો ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે. આ બધાની વચ્ચે વર્લ્ડકપમાં ભાગ લેનારી વધુ બે ટીમ નક્કી થઈ ગઈ છે અને બાકી રહેલા બે સ્થાન માટે શ્રીલંકા તેમજ નેધરલેન્ડે ક્વોલિફાય કર્યું છે.
ઝીમ્બાબ્વેમાં વર્લ્ડકપ ક્વોલિફાયર મુકાબલા રમાયા હતા જેમાં જીત મેળવી આ બન્નેએ ક્વોલિફાય કર્યું છે. શ્રીલંકાએ પહેલાંથી જ ક્વોલિફાયર્સમાં પોતાના જબદરસ્ત પ્રદર્શનને કારણે ક્વોલિફાય કર્યું હતું ત્યારે નેધરલેન્ડે સ્કોટલેન્ડને હરાવીને વર્લ્ડકપમાં એન્ટ્રી મેળવી છે. હવે ટીમ ઈન્ડિયા ૨ નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે અને ૧૧ નવેમ્બરે બેંગ્લોરમાં નેધરલેન્ડ સામે ટકરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા અત્યારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે જ્યાં તે કેરેબિયન ટીમ સાથે બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-૨૦ મુકાબલા રમશે. ૧૨ જૂલાઈથી પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચ સાથે થશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં અનેક નવા સીતારાઓ રમતા જોવા મળશે.