વર્લ્ડકપમાં રોહિત શર્મા સહિત બારેય કેપ્ટનોની હાલત ખરાબ: રન બનાવવા માટે રીતસરના ફાંફા


મુંબઇ,
ટી-૨૦ વર્લ્ડકપની આ વખતની સીઝન કેપ્ટનો માટે અત્યંત ખરાબ રહ્યું છે. રોહિત શર્માની લઈને એરોન ફિન્ચ અને શાકિબ અલ હસથી લઈને મોહમ્મદ નબી સુધીના દરેક કેપ્ટને પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા છે. પરિણામ એ રહ્યું કે આ વર્લ્ડકપમાં તમામ કેપ્ટનોની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ અત્યાર સુધી રમાયેલા સાત ટી-૨૦ વર્લ્ડકપમાં સૌથી ઓછા રહ્યા છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨માં તમામ કેપ્ટનોને મળીને બેટિંગ સરેરાશ ૧૭.૮૪ની છે અને સ્ટ્રાઈક રેટ ૧૦૭.૦૨નો રહ્યો છે.
સૌથી પહેલાં વાત ભારતીય કેપ્ટન રોહિત શર્માની કરવામાં આવે તો ચાર મેચમાં એક ફિફટીની સાથે તેના બેટમાંથી માત્ર ૭૪ રન જ નીકળ્યા છે તો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની હાલત તેના કરતાં પણ વધુ ખરાબ છે. બાબરે ૩.૫૦ની સરેરાશથી આ ટૂર્નામેન્ટમાં માત્ર ૧૪ રન જ બનાવ્યા છે. બાબર ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨માં ઓછામાં ઓછા બે મેચ રમનારા કેપ્ટનોની યાદીમાં રન બનાવવા મામલે સૌથી નીચે છે.

જ્યારે આ ટૂર્નામેન્ટના સુપર-૧૨માં માત્ર બે જ કેપ્ટન એવા છે જેમણે અત્યાર સુધી ૧૦૦ રનનો આંકડો પાર કર્યો છે. આ યાદીમાં કેન વિલિયમસન ૧૩૨ રન સાથે ટોપ પર છે તો એરોન ફિન્ચ ૧૦૭ રન સાથે બીજા ક્રમે છે. કેન વિલિયમસને આયર્લેન્ડ વિરુદ્ધ ૩૫ બોલમાં ૬૧ રનની ઈનિંગ રમી જેના કારણે તે ૧૦૦ રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. અન્ય કેપ્ટનની વાત કરવામાં આવે તો જોશ બટલરે ત્રણ મેચમાં ૯૧, ટેમ્બા બાવુમાએ ચાર મેચમાં ૫૦, શાકિબ અલ હસને ચાર મેચમાં ૪૪ તો મોહમ્મદ નબીએ ત્રણ મેચમાં ૧૭ રન જ બનાવ્યા છે.