નવીદિલ્હી,
ઈંગ્લેન્ડે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બાબરસેનાની હાર બાદ પંજાબના મોગામાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના એક ખાનગી કોલેજમાં બનવા પામી હતી. લાલા લજપતરાય કોલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થી જૂથની ટક્કર બિહાર અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે થઈ જતાં અનેક ઘાયલ થઈ જવા પામ્યા હતા.
પ્રારંભીક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ ઝઘડો ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની હાર બાદ શરૂ થયો હતો. કાશ્મીરી વિદ્યાર્થીઓ મોટાભાગે એક જ જ્ઞાતિના હતા અને કથિત રીતે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા હતા. જ્યારે બિહાર અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જે પછી મામલો બગડ્યો હતો અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે સ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે. ઘાયલ થઈ ગયેલા વિદ્યાર્થીઓને જિલ્લા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જેમાંથી નવ વિદ્યાર્થીઓ અત્યારે ઈમરજન્સી વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે. હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. અમુક વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. કોલેજ પરિસર અને હોસ્ટેલ આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દરમિયાન કાશ્મીરી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે બિહાર અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએતેમના ધર્મ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અથડામણમાં ઘાયલ થયેલા એક કાશ્મીરી વિદ્યાર્થીએ કહ્યું કે જ્યારે તેમણે અમારા ઉપર પથ્થરમારો કર્યો ત્યારે અમે પણ એવો જ જવાબ આપ્યો હતો.આ મામલે મોગા પોલીસના એએસઆઈએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. પોલીસ સામે કોઈ પ્રકારનો હંગામો કે મારપીટ થઈ નથી અને ન તો કોઈએ એકબીજા વિરુદ્ધ કોઈ પ્રકારના અપશબ્દનો ઉપયોગ કર્યો. આ પછી પોલીસે બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઑલરાઉન્ડર બેનસ્ટોક્સની મેચ વિનિંગ ૫૨ રનની ઈનિંગના દમ પર ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું છે. ૨૦૧૯માં ૫૦ ઓવર વર્લ્ડકપમાં પણ બેન સ્ટોક્સે જ અંગ્રેજોની જીતની ગાથા લખી હતી. સ્ટશેક્સે આ પછી પોતાને મોટશ મેચનો ખેલાડી સાબિત કર્યો અને દબાણયુક્ત સ્થિતિમાં શાનદાર ફિફટી બનાવી હતી. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં માત્ર ૧૩૭ રન બનાવ્યા હતા જવાબમાં ઈંગ્લેન્ડે એક ઓવર બાકી રાખીને જીત મેળવી લીધી હતી.