મુંબઇ, વર્લ્ડ કપ મેચમાં ભારતની જીત બાદ પાકિસ્તાનની કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતનું વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવું નિશ્ર્ચિત છે. જોકે તેમનો આ દાવો પાકિસ્તાનને સધિયારો આપવાનો એક પ્રયાસભર છે. બ્રેડબર્ને કહ્યું કે અમે ભારત સામે ભલે વર્લ્ડ કપમાં આઠમી મેચ હારી ગયા હોય પરંતુ ફાઈનલમાં પાકિસ્તાનનો ભારત સામે વિજય નિશ્ર્ચિત છે. બ્રેડબર્નના આ દાવાથી સાબિત થયું છે તેમને સ્પસ્ટપણે લાગી રહ્યું છે કે ભારત ચોક્કસપણે આ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ફાઈનલમાં ભારત સામે નવમી મેચ રમીશું, જે દરમિયાન અમે ભારતને ચોક્કસ હરાવીશું.
કોચે પાકિસ્તાનની હારનું કારણ જણાવતા કહ્યું કે, ખેલાડીઓ ભારત સામે રમવામાં ભારે દબાણમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું વાતાવરણ કે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને જે પ્રકારની વાતો કરવામાં આવે છે તેનાથી ટીમને ભારે દબાણનો અનુભવ થાય છે. આ દબાણને કારણે ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી શક્તા નથી. પાકિસ્તાનની હારનું આ સૌથી મોટું કારણ છે.
ભારતે એક તરફી મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે ૧૯૨ રનનો સરળ ટાર્ગેટ મૂક્યો હતો. ભારતે આ મેચ માત્ર ૩૦.૩ ઓવરમાં જ આસાનીથી જીતી લીધી હતી અને વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતુ.