
નવીદિલ્હી, આઈપીએલ-૨૦૨૩માં દિલ્હી કેપિટલ્સ વતી રમી રહેલા ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મીચેલ માર્શે આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડ કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. દિલ્હી કેપિટલ્સ પૉડકાસ્ટમાં વાત કરતાં માર્શે કહ્યું કે, ૨૦૨૩ વર્લ્ડકપના ફાઈનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હશે અને અમે ભારતને ૩૮૫ રને હરાવશું.
મીચેલ માર્શે કહ્યું કે, ૨૦૨૩ વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. જેમાં ઑસ્ટ્રેલિયા અપરાજિત રહેશે. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા ૪૫૦/૨નો સ્કોર બનાવશે અને ભારતને ૬૫ રને ઓલઆઉટ કરી દેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે વર્લ્ડકપનું આયોજન ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાનું છે.
ભારત-ઑસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડકપના ફાઈનલમાં છેલ્લે ૨૦૦૩માં ટકરાઈ હતી. સૌરવ ગાંગૂલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા એ મેચમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૨૫ રને હારી ગઈ હતી. ઑસ્ટ્રેલિયન ટીમ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. તેણે ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૫માં વર્લ્ડકપ જીત્યો છે અને આ વખતે પણ તે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સક્ષમ છે.
૨૦૦૩ વર્લ્ડકપના ફાઈનલમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં બે વિકેટે ૩૫૯ રન બનાવ્યા હતા. પોન્ટીંગે ૧૨૧ બોલમાં ચાર ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ૧૪૦ રનની ઈનિંગ રમી હતી તો ડેમિયન માટને ૮૪ બોલમાં ૮૮ રન બનાવ્યા હતા. પોન્ટીંગ અને માટને ત્રીજી વિકેટ માટે ૨૩૪ રનની ભાગીદારી કરી હતી. ૩૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ આ મેચમાં ૨૩૪ રને આઉટ થઈ હતી. આ મેચમાં ભારત વતી સેહવાગે સૌથી વધુ ૮૨ રન બનાવ્યા હતા.