વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ ટી ૨૦માંથી નિવૃત્તિની જાહેરાત કરી

વિરાટ કોહલીએ ટી ૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ખિતાબ જીત્યા બાદ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ૭ રનથી હરાવ્યું અને આ સાથે જ ૧૭ વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ બીજી વખત ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો. કોહલીએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ ૭૬ રન બનાવ્યા હતા અને તેના આધારે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીને આ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અને અહીં જ કોહલીએ જાહેરાત કરી હતી કે તેના ચાહકો જેનાથી ડરતા હતા.

કોહલીએ પહેલા કહ્યું હતું કે આ તેનો છેલ્લો ટી ૨૦ વર્લ્ડ કપ છે અને તે તેને જીત સાથે સમાપ્ત કરવા માંગે છે. ત્યારબાદ સ્ટાર બેટ્સમેને જાહેરાત કરી કે આ ફાઈનલ તેની છેલ્લી ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ પણ છે. કોહલીએ કહ્યું કે તે ખુલ્લું રહસ્ય છે કે આ તેનો છેલ્લો ટી ૨૦ વર્લ્ડ કપ હશે અને હવે ટીમને આગળ લઈ જવાની જવાબદારી યુવા પેઢી પર છે.