નવીદિલ્હી,
ભારત પાસે વિશ્ર્વની શ્રેષ્ઠ બ્લાઇન્ડ (અંધ) ક્રિકેટ ટીમ છે જેણે ટી -૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ખાસ વાત એ છે કે બ્લાઈન્ડ ટી -૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ટીમે દુનિયાની અન્ય કોઈ ટીમને ટ્રોફી ઉપાડવાની તક આપી નથી. ભારતે ત્રીજા ટી ૨૦ વર્લ્ડ કપની યજમાની કરી અને સતત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ટીમના ખેલાડીઓને પોતાનું પેટ ભરવું મુશ્કેલ થઈ રહ્યું છે.
વિશ્ર્વ કપ વિજેતા ભારતીય કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને બ્લાઇન્ડ ક્રિકેટને સમર્થન આપવા વિનંતી કરતા કહ્યું કે તેનાથી રમતમાં વ્યાવસાયિક્તા અને નાણાકીય પ્રોત્સાહન મળશે. વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ૧૭ સભ્યોની ટીમના ૧૦ ખેલાડીઓ બેરોજગાર છે.આમાંથી કેટલાંક ખેલાડીઓ માટે નાણાકીય સહાયનો અભાવ રમતને આગળ વધારવામાં મુશ્કેલી આવી રહી છે. અનેક ખેલાડીઓ આજીવિકા માટે અન્ય કામમાં વ્યસ્ત છે.
ફાઇનલ મેચમાં સદી ફટકારનાર કેપ્ટન અજય રેડ્ડીએ કહ્યુ કે, અમે લગાતીર ત્રીજી વખત વિશ્ર્વ કપ જીત્યો છે, પરંતુ અમારી પાસે કોઇ મુખ્ય સ્પોન્સર નથી. આવી પરિસ્થિતિઓમાં ક્રિક્રેટ રમવું ઘણું મુશ્કેલ છે. અમે જાણીએ છીએ કે અમારી પાસે આજીવિકા કમાવવાનું કોઇ કામ નથી,જેનાથી અમે પરિવારનું ભરણ પોષણ કરી શકીએ.
બીસીસીઆઇએ ગયા વર્ષે એપ્રિલમાં ડિફરન્ટલી-એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને અલગ-અલગ-દિવ્યાંગ, બહેરા, અંધ અને વ્હીલચેર-બાઉન્ડ સહભાગીઓમાં રમતને પ્રોત્સાહન આપવા માટે માન્યતા આપી હતી. ભારતમાં બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જી મહંતેશના જણાવ્યા અનુસાર, ત્યારથી અંધ ક્રિકેટરોના સમર્થનની બાબતમાં બહુ બદલાવ આવ્યો નથી. મંહતેશે કહ્યું કે બીસીસીઆઇ અમને ઇન્ફ્રાસ્ટ્રકચર અને તાલિમ સુવિધાઓ પુરી પાડે છે અને અમારી સાથે સહાનુભુતિ પણ રાખે છે, પરંતુ વધારે પ્રોફેશનલ બનાવવા માટે અમને નાણાંકીય સમર્થનની પણ આવશ્યક્તા છે.
બ્લાઇન્ડ ક્રિક્રેટની વાત કરીએ તો અજય રેડ્ડી, જેમણે ભારતને બે ટી ૨૦ વર્લ્ડ કપ ટાઇટલ ૨૦૧૭ અને ૨૦૨૨ જીતવામાં મદદ કરી હતી, તે બ્લાઇન્ડ ક્રિકેટ માટે ભાવિ નક્કી કરવામાં વિલંબથી નાખુશ છે. રેડ્ડીએ કહ્યું, બીસીસીઆઇ તરફથી માન્યતા તો આપવામાં આવી છે, પરંતુ અમારી રમત માટે કોઈ બ્લૂ પ્રિન્ટ નથી, કોઈને ખબર નથી કે શું થઈ રહ્યું છે. અમે ક્રિકેટના મેદાનમાં પણ દેશને ગૌરવ અપાવ્યું છે અને અમે બીસીસીઆઇપાસે કેન્દ્રીય લાભો મેળવવાના હકદાર છીએ