
નવીદિલ્હી,
આર્જેન્ટીનાએ પાછલા મહિને ફિફા વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ફ્રાન્સને પરાજિત કર્યું હતું. પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલા મુકાબલાને મેસ્સીની આગેવાનીવાળી આર્જેન્ટીનાએ પોતાના નામે કર્યો હતો. ફિફા વર્લ્ડકપની જીતનો જશ્ર્ન મનાવ્યા અને આરામ કર્યા બાદ મેસ્સી પેરિસ પરત ફરી ગયો છે. ૩૫ વર્ષીય મેસ્સી ફ્રાન્સના પેરિસ સેન્ટ જર્મન માટે ક્લબ ફૂટબોલ રમે છે.
આ ક્લબમાં ફ્રાન્સના કિલિયન એમબાપ્પે અને બ્રાઝીલના નેમાર પણ છે. જ્યારે મેસ્સી ક્લબ માટે પ્રેક્ટિસ કરવા ઉતર્યા તો સ્ટાફ અને સાથી ખેલાડીઓએ તેને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.
જો કે તેમાં કિલિયન એમ્બાપ્પે હાજર નહોતો. તે હજુ પોતાના અમુક સાથી ખેલાડીઓ સાથે અમેરિકામાં છે પરંતુ ટૂંક સમયમાં જ બન્ને ખેલાડી મેદાન ઉપર એક સાથે ઉતરશે. ફ્રેન્ચ કપમાં પીએસજીનો આગલો મુકાબલો ૭ જાન્યુઆરીએ થવાનો છે. ૧૨ જાન્યુઆરીએ ટીમ લીગ-૧નો મુકાબલો રમવા ઉતરશે.
ગાર્ડ ઑફ ઑનર બાદ મેસ્સીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. તેને ક્લબ તરફથી ખાસ મોમેન્ટો અપાયું હતું. ક્લબે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેનો વીડિયો અને તસવીરો શેયર કર્યા છે. ૨૦૨૧માં સ્પેનિશ ક્લબ બાસલોના સાથે કરાર પૂર્ણ થયા બાદ મેસ્સી પીએસજી સાથે જોડાયો હતો. તે વર્ષ ૨૦૦૦માં બાસલોનાનો હિસ્સો હતો. મેસ્સી પીએસજીના સ્ટેડિયમ પાર્ક ડેસ પ્રિન્સેસમાં ટ્રોફી પરેડ કરવા માંગતો હતો પરંતુ પીએસજીએ તેની આ માંગ ઠુકરાવી દીધી હતી. ક્લબને ડર હતો કે આમ થવાથી પેરિસ અને ફ્રાન્સના લોકો ભડકી શકે તેમ હતા.