વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા ભારત ૧૮ વન-ડે રમશે : ૫૦ ઓવરનો એશિયા કપ પણ પાકિસ્તાનમાં રમશે

મુંબઇ,

વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા ટીમ ઈન્ડિયા ૧૮ વન-ડે, ૯ ટી ૨૦ અને ૮ ટેસ્ટ મેચ રમશે. આ દરમિયાન ભારતને પાકિસ્તાનમાં ૫૦ ઓવરનો એશિયા કપ પણ રમવાનો છે. ટીમ ઈન્ડિયાને અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની બે મેચ વરસાદમાં ધોવાઈ હતી. બોલિંગ સિવાય ટીમ ઈન્ડિયાની સામે અનેક પડકાર છે.

વર્લ્ડ કપમાં ૧૫ પ્લેયર્સની સ્ક્વોર્ડ હશે. જેમાંથી ૧૧ ખેલાડીઓ રમશે. ૨૦૨૩નો વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાશે. એટલે કે, ૨૦૧૯માં થયેલા વર્લ્ડ કપની જેમ જ ૧૦ ટીમ એકબીજા સાથે ૯ મેચ રમશે. પછી ટોપ-૪ પર પહોંચનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલની વિજેતા ટીમ ફાઈનલ રમશે અને ફાઈનલથી વિશ્ર્વ કપ વિજેતા મળશે.

વર્લ્ડ કપ માટે ૧૦માંથી ૭ ટીમ સુપર લીગ પોઈન્ટ ટેબલના આધારે નક્કી થશે. ૩ ટીમ નક્કી થવાની બાકી છે. નીચેના ગ્રાફિકમાં જુઓ કે કઈ ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે. જેમની સામે (ઊ) લખાયેલ છે તે ક્વોલિફાય કરી ચૂકી છે…વર્લ્ડ કપ પહેલા ટીમ સિલેક્શન માથાનો દુ:ખાવો બની ગયું છે. બેટર્સ લગભગ નક્કી છે, પરંતુ ઓલરાઉન્ડર અને બોલરનું સિલેક્શન ભારત માટે અઘરું છે.

ટોપ ઓર્ડરમાં કેપ્ટન રોહિત શર્માની સાથે શિખર ધવન ઓપનિંગ કરશે. વિરાટ કોહલી નંબર-૩, શ્રેયસ અય્યર નંબર-૪, લોકેશ રાહુલ અથવા રિષભ પંત નંબર-૫ પર હશે. આ ૬ પ્લેયર્સ સિવાય ટીમ ઈન્ડિયામાં શુબમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડ્ડાને પણ ટ્રાય કરી શકે છે. બચેલી ૧૮ વન-ડેમાં પ્રદર્શનના આધારે આમાંથી કોઈ એક પ્લેયરને સ્થાન મળી શકે છે.૬ અને ૭માં નંબર પર ટીમ ઈન્ડિયા ફરી એકવાર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પર વિશ્ર્વાસ બતાવી રહી છે. તે જ સમયે, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહરને પણ આ સ્થાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનના આધારે, આ ત્રણ ખેલાડીઓમાંથી કોઈપણ એક સ્ટેન્ડબાય તરીકે ટોપ-૧૫માં સ્થાન મેળવી શકે છે.

૫૦ ઓવરની ટૂર્નામેન્ટ જીતવા માટે ભારતને એવા બોલર્સની જરૂર છે જે ઓછામાં ઓછા ૮મા નંબર સુધી સારી બેટિંગ કરી શકે. જેમાં સુંદર, શાર્દુલ અને દીપક ચહરનું નામ ટોચ પર છે. ૯, ૧૦ અને ૧૧ નંબર પર પ્રોપર બોલર હોય તો પણ કામ થઈ શકે છે. ટીમ પાસે જસપ્રીત બુમરાહના રૂપમાં નોન બેટિંગ બોલર ઉપલબ્ધ છે. પરંતુ કુલદીપ યાદવ, ભુવનેશ્ર્વર કુમાર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલમાંથી કોઈ બે નોન બેટિંગ બોલરની પસંદગી કરવી અઘરી છે. ભારત ઉમરાન મલિક, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ સેન, યશ દલાલ, અર્શદીપ સિંહ જેવા બોલરની પણ પસંદગી કરી શકે છે. આવામાં બચેલી ૧૮ વન-ડેમાંથી બોલર્સની પસંદગી કરવી મુશ્કેલ જણાઈ રહી છે.

ડિસેમ્બર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ટીમ ઈન્ડિયા ૨ સિરીઝ વિદેશમાં અને ૪ સિરીઝ ઘરઆંગણે રમશે. આ સિવાય અમારે સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન પાકિસ્તાનમાં એશિયા કપ પણ રમવાનો છે. જે આ વખતે વર્લ્ડ કપના કારણે ૫૦ ઓવરની હશે. ભારતની પ્રથમ વિદેશી શ્રેણી ૪ ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે શરૂ થશે. ભારત અહીં ૩ વનડે રમશે. બાંગ્લાદેશ ઉપરાંત, જુલાઈ ૨૦૨૩ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝમાં ૩ વન-ડે પણ રમશે. ૧૮ વનડે સિવાય ભારતીય ટીમ ૯ ટી ૨૦ અને ૮ ટેસ્ટ મેચ પણ રમશે. ૩-૩ ટી ૨૦ની ૨ શ્રેણી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાશે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝમાં ૩ મેચોની શ્રેણી પણ યોજાશે.

ટીમ ઈન્ડિયા પણ બાંગ્લાદેશ વિરૂદ્ધ બાંગ્લાદેશમાં ૨ ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં ૪ ટેસ્ટ મેચ રમશે. જો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટોપ-૨ ટીમોમાં રહે છે તો જૂન ૨૦૨૩માં તે ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પણ રમી શકે છે. ત્યારબાદ જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝમાં પણ ૨ ટેસ્ટ રમવાની છે.