વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સની ફાઇનલમાં પાકિસ્તાનને ઘૂળ ચટાડતુ ઈન્ડિયા ચેમ્પિયન્સ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૪નું ટાઇટલ ઇન્ડિયા ચેમ્પિયન્સે જીતી લીધુ છે. બમગહામમાં પાકિસ્તાન સામે ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચ, યુવરાજ સિંહના નેતૃત્વમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે સરળતાથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૧૫૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ચેમ્પિયન્સે ૫ બોલ બાકી રહેતા જ ૫ વિકેટે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ઈન્ડિયા ચેમ્પિયન્સની જીતનો હીરો હતો અંબાતી રાયડુ, જેણે શાનદાર અડધી સદી ફટકારીને માત્ર ૩૦ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે પણ ૧૬ બોલમાં ૩૦ રનની તોફાની ઇનિંગ રમી હતી. બોલિંગમાં અનુરીત સિંહે તેના સ્પેલમાંપાકિસ્તાનની ૩ વિકેટ ખેરવી નાખી હતી.

ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. અંબાતી રાયડુએ પહેલી જ ઓવરમાં ફોર અને સિક્સર ફટકારી હતી અને રોબિન ઉથપ્પાએ પણ ઝડપી રમત દાખવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પાએ ૧૦ રન બનાવ્યા હતા. ઉથપ્પા બાદ રૈના પણ ત્રીજી ઓવરમાં જ ૪ રન બનાવીને આઉટ થયો હતો. રૈના અને ઉથપ્પા બંનેને આમિર યામિને આઉટ કર્યા હતા.

ડબ્લ્યુસીએલ ૨૦૨૪ની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. બમગહામની પીચ બેટિંગ માટે સારી હતી, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન ટીમને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે સૌથી વધુ ૪૧ રન બનાવ્યા હતા. તેના સિવાય કામરાન અકમલ અને શોએબ મક્સૂદને સારી શરૂઆત મળી હતી પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. કામરાને ૨૪ અને શોએબ મક્સૂદે ૨૧ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. અંતે, સોહેલ તનવીરે ૯ બોલમાં ૧૯ રન ફટકારીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

ભારતીય બોલરોની વાત કરીએ તો અનુરીત સિંહે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. ઈરફાન પઠાણે ૧૨ રનમાં એક વિકેટ લીધી હતી. પવન નેગીએ ૨૪ રન આપીને એક વિકેટ લીધી હતી. વિનય કુમારને પણ સફળતા મળી. હરભજન સિંહ ફિટ ના હતો તેથી તેણે માત્ર એક જ ઓવર ફેંકી હતી.