
નવીદિલ્હી,
ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોરગોહેન (૭૫ કિ.ગ્રા.)એ મહિલા વિશ્ર્વ બૉક્સિગં ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનની શરૂઆત જીતથી કરતા ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. લવલીના સાથે સાક્ષી (૫૨ કિ.ગ્રા.)એ પણ ૫-૦ની દમદાર જીત સાથે અંતિમ-૮માં પોતાની જગ્યા સુનિશ્ર્ચિત કરી છે.
જો કે પ્રિતીની હારથી ભારતીય અભિયાનને ઝટકો પણ લાગ્યો છે કેમ કે તેણે કાંટે કી ટક્કર સમાન મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં પ્રીતિની જગ્યાને લઈને વિવાદ થઈ ગયો હતો કેમ કે તેણે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો નહોતો. આ ૧૯ વર્ષીય ખેલાડીએ ૫૪ કિ.ગ્રા. વેઈટ કેટેગરીમાં દમદાર પ્રદર્શન કર્યું પરંતુ પાછલા વર્ષની સિલ્વર મેડલ વિજેતા થાઈલેન્ડની જીતપોંગ જુટામાસ સામે રોમાંચક મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પાછલી સીઝનમાં ૫૨ કિ.ગ્રા. કેટેગરીમાં મેડલ જીતનારી થાઈલેન્ડની ખેલાડીએ પ્રીતિને ૪-૩થી હરાવી હતી. આ મુકાબલો એટલો નજીકનો હતો કે અંતિમ પરિણામ માટે રિવ્યુનો સહારો લેવો પડ્યો હતો. પ્રીતિએ આક્રમક શરૂઆત કરતાં મુકાબલામાં પ્રથમ રાઉન્ડની ટક્કરમાં ૪-૧થી લીડ મેળવી લીધી હતી પરંતુ આગલા બે તબક્કામાં તે પાછળ થઈ ગઈ હતી.
લવલીનાને ૭૫ કિ.ગ્રા.ની નવી વેઈટ કેટેગરીમાં પહેલી વાર મુકાબલો રમતાં બાઈ મળી હતી. તેણે પોતાનો પ્રથમ મુકાબલો જીતીને મેડલ તરફ આગેકૂચ કરી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખતની બ્રોન્ઝ મેડલ વિજેતા પોતાના કટ્ટર હરિફ વિરુદ્ધ થોડી ડિફેન્ડિંગ રમત રમી હતી. લવલીનાને વધુ પડતી ઉંચાઈને કારણે દૂરથી રમવા માટે મજબૂર બનવું પડ્યું હતું જેના કારણે તે સચોટ પંચ લગાવવામાં પરેશાન જોવા મળતી હતી.