મુંબઈ,
વિમેન્સ પ્રિમીયર લીગ (ડબલ્યુપીએલ-૨૦૨૩)ની પહેલી સીઝનનો ઉદ્ઘાટન સમારોહ શનિવારે યોજાશે. પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સામનો ગુજરાત સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મેચ પહેલાં એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડની અનેક સ્ટાર અભિનેત્રીઓ પોતાનું પરફોર્મન્સ કરશે.
વિમેન્સ પ્રિમીયર લીગે પોતાના સત્તાવાર ટવીટર હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી છે કે, અભિનેત્રી કૃતિ સેનન અને કિયારા અડવાણી કાર્યક્રમનો ભાગ બનશે. આ બન્ને ઉપરાંત જાણીતા પૉપ સિંગર એ.પી.ઢિલ્લોં પણ પ્રદર્શન કરશે. રંગારંગ કાર્યક્રમનું આયોજન મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમમાં થશે જેની શરૂઆત ૫.૩૦ વાગ્યાથી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટની પહેલી સીઝન માટે ખેલાડીઓની હરાજી ૧૩ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. જેમાં ૪૪૮માંથી માત્ર ૮૭ ખેલાડીઓની ખરીદી કરાઈ હતી. આ ખેલાડીઓને ખરીદવામાં પાંચ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મળીને ૫૯.૫૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. ગુજરાત, દિલ્હી અને બેંગ્લોરે સૌથી વધુ ૧૮-૧૮ ખેલાડી ખરીદ કર્યા હતા જ્યારે મુંબઈએ ૧૭ અને યુપીએ ૧૬ ખેલાડીની ખરીદી કરી હતી.