વોલ્ખોવ નદીમાં ડૂબી ગયેલા ચારેય ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા

રશિયાની વોલ્ખોવ નદીમાં ડૂબી ગયેલા ચારેય ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. મૃતક વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી હતા. જલગાંવ જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ૪ જૂને થઈ હતી. ઘટનાના પ્રથમ બે દિવસમાં બે મૃતદેહ મળી આવ્યા હતા.

આયુષે જણાવ્યું હતું કે રશિયન અધિકારીઓએ સવારે વધુ બે મૃતદેહો મેળવ્યા હતા. મૃતદેહોને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. આ પછી વિદ્યાર્થીઓના મૃતદેહને જલગાંવ જિલ્લામાં તેમના વતન લઈ જવામાં આવશે. ચાર મૃતકો, હર્ષલ અનંતરાવ દેસલે, જીશાન અશફાક પિંજરી, ઝિયા ફિરોઝ પિંજરી અને મલિક ગુલામ ગૌસ મોહમ્મદ યાકુબ, રશિયાની યારોસ્લાવ-ધ-વાઈઝ નોવગોરોડ સ્ટેટ યુનિવસટીમાં મેડિસિનનો અભ્યાસ કરતા હતા. વાસ્તવમાં, મૃતકની સાથે નિશા અને ભૂપેશ નામના વધુ બે વિદ્યાર્થીઓ હતા. બંનેના જીવ બચી ગયા હતા. આ ઘટના અચાનક બની જ્યારે ૧૮ થી ૨૦ વર્ષની વયના વિદ્યાર્થીઓનું જૂથ વોલ્ખોવ નદીના કિનારે લટાર મારતું હતું. અમલનેરનો રહેવાસી જીશાન પિંજરી જ્યારે ડૂબી ગયો ત્યારે તેના માતા-પિતા સાથે વીડિયો કોલ પર હતો. પરિવારજનોએ તેને પાણીમાંથી બહાર આવવા કહ્યું હતું. મૃતક જીશાન અને જીયા ભાઈ-બહેન હતા. જ્યારે દેસલે ભડગાંવનો હતો. રશિયન યુનિવસટીના વહીવટીતંત્રે ભારતીય રાજદૂતને એક સંદેશ મોકલીને વિદ્યાર્થીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.