વોટ્સએપ મેસેજથી શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો:જૂનાગઢમાં નાણાં લેવાના મેસેજથી બે જૂથ વચ્ચે માથાકૂટ, એક બીજા પર પથ્થરમારો અને છરીથી હુમલો

જૂનાગઢના માખીયાળા ગામમાં વોટ્સએપ મેસેજને લઈને થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. જયેશભાઈ હરીભાઈ ગજેરાએ વોટ્સએપ ગ્રુપમાં રમેશ વલ્લભભાઈ ગજેરા પાસેથી નાણાં લેવાના છે તેવો મેસેજ મૂક્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ગંભીર ઘર્ષણ સર્જાયું હતું.

મેસેજથી નારાજ થયેલા રમેશ ગજેરાએ પ્રથમ ગ્રુપમાં ગાળાગાળી કરી અને પછી જયેશભાઈને વાડી વિસ્તારમાં બોલાવ્યા હતા. હનુમાન મંદિર પાસે જયેશભાઈ અને જીગ્નેશ કાંતીભાઈ ગજેરા ઊભા હતા, ત્યારે રમેશ ગજેરા, વિપુલ ધીરુભાઈ ગજેરા અને હિતેષ વલ્લભભાઈ ગજેરા આવી પહોંચ્યા હતા. બંને પક્ષો વચ્ચે મેસેજ મૂકવા બાબતે ઝઘડો થયો, જે પથ્થરમારા સુધી પહોંચ્યો હતો.

બંને પક્ષે એકબીજા વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા છે. જયેશભાઈએ તેમની ફરિયાદમાં જણાવ્યું કે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ, રમેશભાઈએ જયેશભાઈ પર છરી વડે હુમલો કરી રૂ.1400ની લૂંટ કરવાનો આરોપ મૂક્યો છે.

તાલુકા પીએસઆઈ સરવૈયાએ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ પણ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.