
અમદાવાદ,
આતંરરાષ્ટ્રીય જળપ્લાવિત દિન નિમિત્તે નળ સરોવર પક્ષી અભયારણ્ય, વનવિભાગ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ જળપ્લાવિત દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફોટો એકઝિબિશન કમ કોમ્પીટીશન, વર્કશોપ યોજાયું હતું.
ગુજરાત એક અપાર વૈવિય ધરાવતું રાજ્ય છે. રણ, પર્વત, જંગલ, દરિયો એમ બધુંજ ગુજરાત પાસે છે. ગુજરાત ૧૬૦૦ કિ.મિથી વધુ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. ગુજરાતને પક્ષી તીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે.
જિલ્લા વનસંરક્ષક પી.પુરુષત્તમા કહે છે કે, અમદાવાદથી આશરે ૬૫ કિ.મિ દૂર આવેલું નળ સરોવર દેશનું સૌથી મોટું જળપક્ષી અભયારણ અને છીંછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. નળ સરોવર એ અંદાજે ૧૨૦ ચો કિ.મિ. જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે. આ સરોવરની લંબાઈ ૩૨ કિ.મિ. તથા પહોળાઈ ૬.૪ કિ.મિ. છે. શિયાળાની શરૂઆત સાથેજ વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરૂ થઈ જાય છે. નળસરોવર અને થોળ તળાવ ખાતે અનુક્રમે પક્ષીઓની ૨૨૬થી વધુ પ્રજાતિઓ અને માછલીઓની ૧૯ પ્રજાતિઓનો વસવાટ જોવા મળે છે. નળસરોવરને ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે આ વેટલેન્ડ પક્ષીપ્રેમીઓનાં સ્વર્ગ સમાન બની ગયું છે.