અમદાવાદ,
ગુજરાતવાસીઓને હજુ પણ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે, હાલ લોકોને ઠંડીથી નહીં મળે રાહત. રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. નલિયા સહિત કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તો હજુ આગામી બે દિવસ અમદાવાદમાં ૧૦ ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. ઠંડીની સાથે પવનની ગતિમાં વધારો થતાં લોકો ઠુંઠવાશે. એટલું જ નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. લોકોને બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે.
તો આ તરફ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર દિલ્લી, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવશે જેના કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.
આ ડિસ્ટરબન્સની અસર પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી વર્તાશે એટલે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. માનીએ તો પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.