મુંબઇ, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સુનીલ નારાયણે ટી ૨૦ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ પૂરી કરીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. આમ કરનાર તે બીજો સ્પિનર અને ત્રીજો બોલર બની ગયો છે. તેના પહેલા વેસ્ટ ઇન્ડિઝના જ ડ્વેન બ્રાવો અને અફઘાનિસ્તાનના રાશિદ ખાને T ૨૦ ફોર્મેટમાં આ કારનામું કર્યું છે. ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બ્રાવોના નામે છે જેણે આ ફોર્મેટમાં ૬૧૫ વિકેટ લીધી છે.
સુનીલ નારાયણે આ સિદ્ધિ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ટી ૨૦ બ્લાસ્ટ દરમિયાન મેળવી હતી. સુનીલ નારાયણ આ લીગમાં સરે તરફથી રમી રહ્યો છે. ગઈકાલે ગ્લેમોર્ગન સામેની મેચમાં તેણે એક વિકેટ લઈને આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. કોલિન ઇન્ગ્રામ નારાયણનો ૫૦૦મો શિકાર બન્યો હતો.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-૫ બોલરોની લિસ્ટમાં ડ્વેન બ્રાવો, રાશિદ ખાન અને સુનીલ નારાયણ સિવાય ઈમરાન તાહિર અને શાકિબ અલ હસનનું નામ પણ છે. આ બંને સ્પિનરોના નામે ૪૦૦થી વધુ વિકેટ છે. ડ્વેન બ્રાવો આ લિસ્ટમાં એકમાત્ર એવો બોલર છે જેણે ૬૦૦થી વધુ વિકેટ પોતાના નામે કરી છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ડ્વેન બ્રાવો – ૬૧૫
રાશિદ ખાન – ૫૫૫
સુનીલ નારાયણ – ૫૦૦*
ઈમરાન તાહિર – ૪૬૯
શાકિબ અલ હસન – ૪૫૧