હાલમાં સાઉથ આફ્રિકામાં SAT20 ક્રિકેટ લીગ ચાલી રહી છે. આ લીગમાં ચાહકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. જો કે આ લીગ વચ્ચે એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે બધાને હચમચાવી દીધા છે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ફેબિયન એલન સાથે લૂંટની ઘટના સામે આવી છે. ફેબિયન પર બંદૂક તાણીને તેને લૂટવામાં આવ્યો હતો. આ ઘટના જોહાનિસબર્ગની છે.
જ્હોનિસબર્ગમાં જ્યાં પાર્લ રોયલ્સની ટીમ રોકાઈ હતી, તેની બહાર આ ઘટના બની હતી. ફેબિયન પણ આ ટીમનો ભાગ છે. આ ઘટનાની માહિતી SAT20 અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સૂત્રોએ આપી હતી. આ ઘટના વિશે માહિતી આપતાં ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એક સૂત્રએ કહ્યું કે, “ફેબિયનને આમાં કોઈ નુકસાન થયું નથી. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના પ્રતિનિધિએ આ ખેલાડીનો સંપર્ક કરીને રાહત વ્યક્ત કરી હતી.”
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારા હેડ કોચ આન્દ્રે કોલીએ ફેબિયન સાથે વાત કરી છે. તે ઠીક છે.” ફેબિયન સાથેની આ ઘટના બાદ SAT20 લીગમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને તણાવ વધી ગયો છે.
આ હુમલામાં બંદૂકધારીઓએ ફેબિયનને હોટેલની બહાર ઘેરી લીધો હતો અને તેનો ફોન, બેગ અને ઘણી અંગત વસ્તુઓ બળજબરીથી છીનવી લીધી હતી. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં સૌ કોઈ ચોંકી ગયા છે.