બાર્બાડોસ, ભારતે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે પરાજય આપી શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૨૩ ઓવરમાં માત્ર ૧૧૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે ૨૨.૫ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે ઈશાન કિશન અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. ગિલ માત્ર ૭ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ બેટિંગમાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવ ૨૫ બોલમાં ૧૯ રન બનાવી આઉટ થયો હતો.
નાના લક્ષ્નો પીછો કરવામાં ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યા ૫ રન બનાવી આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર પણ રોહિત શર્માથી પહેલા બેટિંગ કરવા આવ્યો અને માત્ર ૧ રન બનાવી શક્યો હતો. ભારત તરફથી ઈશાન કિશને ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને એક સિક્સ સાથે ૫૨ રન ફટકાર્યા હતા. રવીન્દ્ર જાડેજા ૧૬ અને રોહિત શર્મા ૧૨ રન બનાવી અણનમ રહ્યાં હતા.
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની શરૂઆત ખરાબ રહી હતી. કાઇલ મેયર્સ ૨ રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. એલીક એથેનાઝ ૨૨ રન બનાવી મુકેશ કુમારનો શિકાર બન્યો હતો. શાર્દુલ ઠાકુરે બ્રેન્ડોન કિંગને ક્લિન બોલ્ડ કર્યો હતો. ૪૫ રનમાં વિન્ડીઝે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતીય સ્પિનરોનો સામનો કરવામાં ફ્લોપ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ રન કેપ્ટન શાઈ હોપે બનાવ્યા હતા. હોપ ૪૫ બોલમાં ૪૩ રન બનાવી આઉટ થયો હતો. કુલદીપ યાદવે ૩ ઓવરમાં ૨ મેડન સાથે માત્ર છ રન આપી ચાર વિકેટ લીધી હતી. તો રવીન્દ્ર જાડેજાએ ૬ ઓવરમાં ૩૭ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.