આ દિવસોમાં દેશભરમાં સીમા હૈદર ની લવ સ્ટોરીની ચારેબાજુ ચર્ચા છે. એટીએસ સતત તેની પૂછપરછ કરી રહી છે અને ઘણા લોકો સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડમાંથી આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં હજારીબાગનો એક યુવક પોલેન્ડની એક મહિલા સાથે પ્રેમમાં છે, જે તેની છ વર્ષની પુત્રી સાથે તેના ગામ પહોંચી ગઈ છે.
પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલેક કહે છે કે તે શાદાબ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી હતી. અમે ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું અને ક્યારે અમે પ્રેમમાં પડી ગયા એ ખ્યાલ જ ના રહ્યો. હવે આ 49 વર્ષની મહિલા શાદાબ સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તે ભારત આવી છે. તેણી કહે છે કે તે શાદાબ અને તેના ગામને ખૂબ પ્રેમ કરે છે અને હવે તે શાદાબ સાથે રહેવા માંગે છે.
શાદાબ કહે છે કે લોકડાઉન દરમિયાન યુરોપમાં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલોક સાથે તેની વાતચીત થઈ હતી. ધીરે ધીરે મિત્રતા આગળ વધતી ગઈ અને હવે ભારત આવી ગઈ છે. તે કહે છે કે અમે બંને જલ્દી લગ્ન કરવા માંગીએ છીએ. ભારતમાં ખૂબ જ ગરમી પડે છે, તેથી શાદાબે બાર્બરા માટે બે એસી લગાવ્યા છે અને તેના માટે એક રંગીન ટીવી પણ ખરીદ્યું છે.
બાર્બરા કહે છે કે શાદાબ ખૂબ જ સારા વ્યક્તિ છે અને તે તેની સાથે ખૂબ જ ખુશ છે. બંને સાથે રહેવા માંગે છે. મળતી માહિતી મુજબ, બાર્બરા પરિણીત છે અને તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. તેણીને તેના પહેલા લગ્નથી છ વર્ષની એક પુત્રી પણ છે, જે શાદાબને પિતા તરીકે બોલાવે છે. બાર્બરા હાલમાં શાદાબના પરિવાર સાથે સામાજિક વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ તેઓએ ઘરના કામમાં પણ મદદ કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ મામલાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ શાદાબના ઘરે પહોંચી ગઈ હતી. તેણે બાર્બરાનો પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા હતા.