નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણનો હેતુ ‘સામાજિક પરિવર્તનની ભાવના’ લાવવાનો છે. તે કહેવું ખતરનાક હશે કે વ્યક્તિની ખાનગી મિલક્તને સમુદાયના ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય નહીં અને જાહેર હિત માટે રાજ્ય દ્વારા તેને હસ્તગત કરી શકાય નહીં.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ૯ જજોની બંધારણીય બેન્ચે આ ટિપ્પણી કરી હતી. બંધારણીય બેંચ એ પ્રશ્ર્ન પર વિચાર કરી રહી છે કે શું ખાનગી મિલક્તોને બંધારણની કલમ ૩૯ (બી) હેઠળ સમુદાયના ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય? આ મામલો સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. બંધારણની કલમ ૩૯(બી) એવી જોગવાઈ કરે છે કે રાજ્ય તેની નીતિ દ્વારા સમુદાયના ભૌતિક સંસાધનોની માલિકીની અને સામાન્ય ભલાઈ માટે શ્રેષ્ઠ હોય તે રીતે નિયંત્રિત થાય તે સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરશે. મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન સહિતના પક્ષકારોના વકીલે મજબૂત દલીલ કરી હતી કે બંધારણની કલમ ૩૯(બી) અને ૩૧ હેઠળ બંધારણીય યોજનાઓની આડમાં રાજ્ય સત્તાવાળાઓ દ્વારા ખાનગી મિલક્તો હસ્તગત કરી શકાતી નથી.
બંધારણીય બેન્ચે કહ્યું કે ‘સમુદાયના ભૌતિક સંસાધનો’નો અર્થ માત્ર જાહેર સંસાધનો છે એવું સૂચવવું થોડું આત્યંતિક હોઈ શકે છે. તેનું મૂળ કોઈપણ વ્યક્તિની ખાનગી મિલક્તમાં રહેતું નથી. હું તમને કહીશ કે આવો દૃષ્ટિકોણ લેવો શા માટે જોખમી છે. બેન્ચે વધુમાં કહ્યું કે, ખાણો અને ખાનગી જંગલો જેવી સાદી વસ્તુઓ લો. કલમ ૩૯(બી) હેઠળ ખાનગી જંગલો પર સરકારી નીતિ લાગુ થશે નહીંપતેથી તેનાથી દૂર રહો, આ કહેવું ઘણું જોખમી હશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રના કાયદાને સત્તા આપતો સત્તાધિકારીઓ જર્જરિત ઈમારતોનો કબજો લેવા માટે માન્ય છે કે નહીં તે સંપૂર્ણપણે અલગ મુદ્દો છે અને સ્વતંત્ર રીતે નિર્ણય લેવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે પૂછ્યું કે શું એવું કહી શકાય કે એકવાર મિલક્ત ખાનગી બની જાય પછી કલમ ૩૯(બી)નો ઉપયોગ નહીં થાય, કારણ કે સમાજ કલ્યાણકારી પગલાંની માંગ કરે છે અને સંપત્તિના પુન:વિતરણની પણ જરૂર છે. જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે સામાજિક અને અન્ય પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતાં બેન્ચે કહ્યું કે, બંધારણનો ઉદ્દેશ્ય સામાજિક પરિવર્તન લાવવાનો હતો. અમે એમ કહી શક્તા નથી કે એકવાર મિલક્ત ખાનગી રીતે રાખવામાં આવે તો કલમ ૩૯(બી) કોઈ કામની નથી. બંધારણીય બેંચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, બીવી નાગરથના, સુધાંશુ ધુલિયા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, રાજેશ બિંદલ, સતીશચંદ્ર શર્મા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો પણ સમાવેશ થાય છે.