ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી મામક શીખ તેમણે આપી હતી.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૧ પી.એચ.ડી. તથા ૪ એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ૠષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ૠષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાયાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું. સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, વિશ્ર્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા તેમજ ક્સરતો દ્વારા શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા અનુરોધ કર્યો હતો.પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવસટીના કુલપતિ ડો.કે. એન. ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવસટીએ એકેડેમિક બેક્ધ ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવસટીના વિકાસ માટે રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેનો ઉપયોગ વિશ્ર્વસ્તરીય શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં કરાશે.